માંડવી-મુંદરાના ૬ શખ્સોને કચ્છ સહિત ૬ જિલ્લા માંથી કરાયા તડીપાર

મુંદરા : તાલુકાના ૬ શખ્સોને કચ્છ સહિત ૬ જિલ્લામાંથી તડીપાર કરવાનો આદેશ માંડવી-મુંદરાના પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. એક વર્ષ સુધી આ શખ્સોને કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને પાટણમાંથી તડીપાર કરવામાં આવ્યો છે. જેમાં માંડવીના રોઠોડ ફળિયામાં રહેતા ઈમરાન ઉર્ફે ઈમલો સાલેમામદ ઓઢેજા, મુંદરાનાં ટુંડામાં રહેતા અજય રામલખન વર્મા, મુંદરાનાં નાના કપાયામાં રહેતા દિલીપ ઉમેદરામ ચૌધરી, ઈસ્લામુહક કાસીમહક તેમજ બાકીરાજ રામક્રિષ્ન કાઉન્ડર અને માંડવીના ઉનડોઠ ગામનાં હરશી જુમા મહેશ્વરીને છ જિલ્લાઓ માંથી તડીપાર કરવામાં આવ્યા છે. માંડવી મુંદરાના પ્રાંત અધિકારી એ.કે વત્સાનીએ વાત કરતા જણાવ્યું હતું કે, આ છયે શખ્સો પર દારૂ, જુગાર, મિલકત સંબંધિ ગુનાઓ નોંધાયેલા હતા. જેને ધ્યાને લઈને તડીપાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, માંડવી મુંદરાનાં પ્રાંત અધિકારીએ અગાઉ માંડવીના પાંચ શખ્સોને તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે હવે મુંદરાનાં વધુ ૬ શખ્સોને તડીપાર કરાયા છે.