માંડવી મામલતદાર કચેરીમાં વ્યવહાર વિના લોકોના કામ નહીં

માંડવીના જાણીતા એડવોકેટ નોટરી દ્વારા કરાયા ગંભીર આક્ષેપો : મામલતદાર કચેરી ફરી એકવાર ભષ્ટાચારનાં
વિવાદોમાં સપડાઈ

માંડવી : શહેરનાં જાણીતા એડવોકેટ અને નોટરી રેશમાબેન શાહ દ્વારા મામલતદાર કચેરી સામે ગંભીર આક્ષેપો કરાયા છે. કચેરીમાં વ્યવહાર વગર એક પણ અરજદારનાં કામ થતા નથી. અને જાણી જોઈ કર્મચારીઓ લોકોને ધરમના ધક્કા ખવડાવતા હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા.માંડવી મામલતદાર કચેરીમાં એક હથ્થુ સાશન ચાલતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોરોનાકાળમાં તંત્ર દ્વારા વ્યવહાર ન થતાં અનેક અરજદારોની કાયદેસરની સ્ટેપડયુટી ભરેલી હોય તેવા રજીસ્ટર દસ્તાવેજની નોંધો નામંજુર કરાઈ છે. જ્યારે બીજી બાજુ ઈન્ચાર્જ મામલતદાર નવીન મારૂ પાસે આ અંગે રજુઆત કરાતા તેમણે નામંજુર થયેલી નોંધ દાખલ કરવા ડેપ્યુટી કલેકટર કચેરીએ જવુ પડશે. તેમની મંજૂરી વિના કોઈપણ નોંધો પાડવામાં આવશે નહી તેવુ તેમણે કહ્યુ હતુ. ત્યારે માંડવીના જાણીતા એડવોકેટ અ નોટરી રેશ્માબેન શાહે આક્ષેપો સાથે કહ્યું હતું કે, જો કચેરીમાં વ્યવહાર સાચવવામાં આવે તો, લોકોના કામ ઝડપભેર થાય છે. જ્યારે સાચા અરજદારના કામ ટલ્લે ચડે છે. અને આર્થિક નુકશાની વેઠવી પડે છે તેવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.
આ અંગે ઈન્ચાર્જ મામલતદાર નવીન મારૂ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હું છેલ્લા બે દિવસથી નવા અધિકારી આવવાને કારણે વ્યસ્ત હતો. સતત મિટિંગોનો અને વીડિયો કોન્ફરન્સને કારણે સમગ્ર હકીકત શું છે તે જાણીને વિગતો આપું તેવું કહ્યું હતું.દરમિયાન એડવોકેટ રેશ્માબેને નોંધો કયા કારણોસર રદ્દ કરાઈ તે અંગેનું કારણ જણાવવા આરટીઆઈ પણ કરી છે. તે અંગે પુછતાં તેમણે કહ્યું હતું કે, તેની તપાસ કરીને જવાબ આપવામાં આવશે. આ ઉપરાંત એક વખત નોંધો રદ્દ કરીને બાદમાં આર્થિક વ્યવહાર કરીને નોંધો ચડાવવામાં અવાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા તે અંગે પુછતાં તેમણે કહ્યું હતું કે, સોમવારે ઉઘડતા દિવસે આ અંગે તપાસ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.