માંડવી બીચ પર પ્રવાસીઓને આકર્ષવા હવે એક માસ સુધી ચાલશે બીચ ફેસ્ટીવલ

આગામી ૧લી ઓકટોબરથી બીચ ફેસ્ટીવલની થશે શરૂઆત : સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું થશે આયોજન

ભુજ :  દિવાળી વેકેશન દરમ્યાન લાખો પ્રવાસીઓ કચ્છના મહેમાન બને છે. અને રણોત્સવ અને માંડવી બીચની મજા માણે છે. દરિયા- ડુંગર અને રણ ધરાવતું કચ્છ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે હવે પ્રવાસીઓને માંડવી બીચ તરફ આકર્ષવા માટે બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે બીચ ફેસ્ટીવલ પાંચ દિવસ સુધી યોજવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે બીચ ફેસ્ટીવલ એક માસ સુધી ચાલશે.
ગુજરાત ટૂરીઝમ વિભાગ દ્વારા માંડવી બીચ પર એક માસ સુધી બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ ફેસ્ટીવલમાં દરરોજ સાંજે માંડવીના રમણીય બીચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત ટૂરીઝમ દ્વારા બીચ પર ફૂડ કાર્ટ પણ ઉભા કરવામાં આવશે. ઉપરાંત બીચ ફેસ્ટીવલનું આયોજન અમદાવાદની ખાનગી એજન્સીને સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧લિ ઓકટોબરથી આ બીચ ફેસ્ટીવલનો પ્રારંભ થશે એટલે દિવાળી દરમ્યાન કચ્છ આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દરરોજ સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કચ્છના સ્થાનિક કલાકારોને મોકો આપવામાં આવશે. દિવાળી વેકેશન સમય દરમ્યાન સામાન્ય રીતે પણ માંડવી બીચ પર હજારો પ્રવાસીઓ આવે છે. અને બીચ ફેસ્ટીવલના માધ્યમથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનું આયોજન ગુજરાત ટૂરીઝમ વિભાગ દ્વારા કરાયું છે. સમી સાંજે રમણીય વાતાવરણ વચ્ચે લાખો પ્રવાસીઓ બીચ ફેસ્ટીવલની મજા માણશે તેવું હાલ જણાઈ રહ્યું છે કારણ કે, માંડવી બીચનું વાતાવરણ પણ પ્રવાસીઓને જકળી રાખે છે. ત્યારે એક માસ સુધી બીચ ફેસ્ટીવલ યોજાઈ રહ્યું છે. ત્યારે તેને કેટલી સફળતા મળે છે તે પણ મહત્વનું બની રહેશે.