માંડવી નગરપતિ તરીકે મેહુલ શાહની વરણી

ઉપપ્રમુખ તરીકે ગીતાબેન રાજગોર આરૂઢ : અબડાસા પ્રાંત બી.જે. ઝાલા અને માંડવી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રક્રિયા : નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન આપવા રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પહોંચ્યા

માંડવી : બંદરીય શહેર માંડવી નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખની વરણી માટે આજરોજ પાલિકા મધ્યે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અબડાસા પ્રાંત અને માંડવી ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યવાહીમાં નગરપતિ તરીકે મેહુલભાઈ અજયકુમાર શાહની જયારે ઉપાધ્યક્ષ તરીકે ગીતાબેન પંકજભાઈ રાજગોરની વરણી કરવામાં આવી હતી.
આ અંગેની વિગતો મુજબ અબડાસા પ્રાંત બી.જે. ઝાલા અને માંડવી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં માંડવી પાલિકા મધયે પ્રમુખ- ઉપપ્રમુખ વરણી માટેની પ્રક્રિયા યોજાઈ હતી. પ્રમુખ તરીકે ભાજપમાં મેહુલભાઈ શાહના નામની દરખાસ્ત જિજ્ઞેશભાઈ કષ્ટાએ મુકી હતી જયારે કોંગ્રેસમાંથી અલીમામદ ઘાંચીના નામની દરખાસ્ત રફીકભાઈ શેખે મુકતા ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મેહુલભાઈ શાહની તરફેણમાં ર૩ સભ્યોએ સમર્થન આપતા પ્રમુખ પદે તેમની નિમણુક કરવામાં આવી હતી. અલીમામદભાઈની તરફેણમાં માત્ર ૧ર સભ્યો રહ્યા હતા.
તો ઉપપ્રમુખ પદે ભાજપમાંથી ગીતાબેન પંકજભાઈ રાજગોરના નામની દરખાસ્ત ઉર્મિલાબેન પીઠડિયાએ મુકી હતી, જયારે કોંગ્રેસ તરફથી ચંદાબેન મહેશ્વરીના નામની દરખાસ્ત કાંતિલાલભાઈ પટેલે મુકતા યોજાયેલા ચૂંટણી પ્રક્રિયામાં ગીતાબેન પંકજભાઈ રાજગોરને ર૩ સભ્યોના સમર્થન સાથે ઉપપ્રમુખ તરીકે આરૂઢ થયા હતા. તો ચંદાબેન મહેશ્વરીને ૧ર મત જ મળ્યા હતા. માંડવી પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખની વરણીને ફટાકડા ફોડી, મીઠાઈ વહેચી આવકારાઈ હતી.
આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે, પૂર્વ નગરપતિ નરેન્દ્ર પીઠડિયા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ ગોહિલ, ધારાસભ્ય કાર્યાલય મંત્રી વિનુભાઈ થાનકી, વિરભદ્રસિંહ જાડેજા, હનુમંતસિંહ જાડેજા, રાજેશ કાનાણી, નારાણ કેરાઈ, વિજય ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કોંગ્રેસના લક્ષ્મીચંદ ફફલ, ભરતસિંહ જાડેજા, પુનિત જોષી સહિતનાઓ હાજર રહ્યા હતા. સામાજિક અગ્રણી હાજી અબ્દુલા ઓઢેચા સહિતનાઓએ પણ વરણી વેળાએ હાજરી આપી હતી.