માંડવી-દહીસરા માર્ગ પર બાઈક સાથે એક્ટિવા ભટકાતા બન્ને ચાલકોના મોત

માંડવી : તાલુકાના દહીંસરા માર્ગ પર ગઈકાલે મોડી સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અને એક્ટિવાની ટક્કર થતા બન્ને ચાલકના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા વ્યક્તિને જમણા પગની સાથળમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલે મોડી સાંજે દહીંસરા રામપર વેકરા માર્ગ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહીમાંનગર પાસે બાઈકના ચાલક મુકેશ રામજી વણકરનું મોત નિપજ્યું હતું. તો સામેથી આવતી એક્ટિવાને બાઈકની ટક્કર લાગતા ૨૧ વર્ષીય હસમુખ જાદવ કારાનું મૃત્યું થયું હતું. જે અંગે એક્ટિવા પાછળ સવાર મિતેષ પ્રેમજી કેરાઈએ બાઈકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ફરિયાદી મિતેષ કેરાઈને પણ સાથળમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના અંગે માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.