માંડવી કોલેજ મુદ્દે એબીવીપી દ્વારા રેલી યોજીને નોંધાવાયો વિરોધ

કોલેજની હિટલર શાહી નીતિથી ત્રસ્ત છાત્રોએ વહીવટ સુધારવા માટે કરી માંગ : કોલેજ પ્રશાસન દ્વારા છાત્રો પાસે લૂંટ ચલાવાતી હોવાના ઉઠ્યા આક્ષેપો

 

માંડવી : અહીંની શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી ગેરરીતિઓ મુદ્દે એબીવીપી દ્વારા છેલ્લા લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓએ આજે પણ વિશાળ રેલી યોજીને કોલેજની હિટલર શાહી નીતિનો વિરોધ કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંડવી કોલેજના વિવિધ પ્રશ્નોને પગલે આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેમાં વિવિધ પ્રશ્નો મુદ્દે આજે પુનઃ પ્રદર્શન કરીને છાત્રોએ પોતાની માંગો દોહરાવી હતી. આ કોલેજ સરકારના અનુદાનથી ચાલી રહી છે છતાં પણ વિઝિટર લેકટર દિઠ પ૦ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ગ્રાન્ટમાંથી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી છે. અંદાજીત પાંચ વર્ષ અગાઉ બનેલી હોસ્ટેલ આજ દિવસ સુધી શરૂ કરવામાં આવી નથી અને આ હોસ્ટેલનો ઉપયોગ ગેસ્ટ હાઉસ તરીકે કરાઈ રહ્યો છે. લાયબ્રેરી પણ વર્ષોથી બંધ છે છતાં પણ તેની ડિપોઝિટ ફી વસુલીને લૂંટ ચલાવાઈ રહી છે. યુજીસીની ગ્રાન્ટમાંથી ડિઝિટલ કોમ્પ્યુટર લેબ બનાવામાં આવેલ છે તે પણ બંધ છે. કોલેજની ઈમારત જર્જરીત હોવા છતાં તેની ઉપર તંત્રની કોઈ પણ મંજૂરી વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે જોખમરૂપ કહી શકાય. આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન થાય છે છતાં કોલેજ ફોર્મની ફી પ૦ રૂપિયા ઉઘરાવે છે જે ગેરકાયદેસર છે આવા અનેક નાના – મોટા પ્રશ્નો પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિશાળ રેલી યોજીને પ્રદર્શન કર્યું હતું.