માંડવીમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

પ્રેમ સંબંધ મુદ્દે યુવતીના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો

માંડવી : શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાનની હત્યામાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી અનડિટેઈકટ ખૂનનો ભેદ ઉકેલી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુનેન યાહ્યા આદમ ચાકી (ઉ.વ.ર૪)ની કોઈ અજાણ્યા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી લાશને ફેંકી દઈ હત્યારા પલાયન થઈ ગયા હતા. પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા પીઆઈ એમ.આર. ગામેતીએ હત્યાનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી સહિતની જુદી જુદી ટીમો દ્વારા પગેરૂ દબાવ્યું હતું અને શંકાના દાયરામાં રહેલા મનોજ વાલજી મહેશ્વરી (ઉ.વ.૧૮) તથા નરેશ કલ્યાણ થારૂ (ઉ.વ.૧૮) અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શિવજી મહેશ્વરી (ઉ.વ.૧૮)ને રાઉન્ડઅપ કરી પૂછતાછ કરતા મનોજની બહેન સાથે યુનેને પ્રેમ સંબંધ હોઈ બનાવની રાત્રે યુનેન મનોજના ઘરે પહોંચી ગયો હતો અને મનોજ જાગી જતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. મનોજે યુનેનને પીઠ તથા છાતી અને ગળાના ભાગે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં તેના મિત્રો લક્ષ્મણ તથા નરેશને બોલાવી બાઈક તથા એક્ટીવાથી યુનેનના
મૃતદેહને લઈ જઈ ફેંકી દીધો હતો. ત્રણેય આરોપીઓ પાસેથી કપડા, છરી, વાહનો કબજે કરી લઈ ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.