માંડવીમાં પ્રજ્ઞાચક્ષુ જૈન મહિલા બળાત્કાર કેસમાં ફીફા ખાંડતી પોલીસ

બનાવને બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ ઃ બળાત્કારીને આસમાન પીગળી ગયું કે ધરતી ગળી ગઈ…? ઃ પ્રજાજનોનો પોલીસને સવાલ ઃ તપાસ ચાલુમાં હોવાનું જણાવતા પીઆઈ ગામેતી

માંડવી ઃ શહેરની ભાગોળે જૈન આશ્રમમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ આધેડ જૈન મહિલા ઉપર બળાત્કારની ઘટના ઘટતા જૈન સમૂદાયમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને બે માસ વીતી ગયા સુધી બળાત્કારીને શોધી કાઢવામાં પોલીસ નાકામ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મુન્દ્રા તાલુકાના વડાલા ગામના વતની અને છેલ્લા ર૧ વર્ષથી માંડવી જૈન આશ્રમમાં રહેતા ૪૮ વર્ષિય પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર ગત તા.૪/પ-૯-૧૭ની રાત્રિ દરમ્યાન કોઈ શખ્સે મહિલાના રૂમની પાછળની બારીના સળિયા તોડી રૂમમાં પ્રવેશ કરી મહિલાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. માંડવી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસી ટીવી કેમેરાઓની તપાસ કરતા બળાત્કારી સુધી પહોંચવામાં પોલીસને કોઈ સુરાગ હાથ લાગ્યો ન હતો. બનાવને આજે બે માસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં બળાત્કારી નહીં દપકડાતા શું તેને આસમાન પીગળી ગયું કે પછી ધરતી ગળી ગઈ…? આવા સવાલો પ્રજાના મુખે વહેતા થયા છે. આ બાબતે માંડવી પીઆઈ એમ.આર. ગામેતીનો સંપર્ક સાધતા મહિલા ઉપર દુષ્કર્મ થયેલ કે કેમ ? તે જાણવા સેમ્પલો લઈ રાજકોટ એફએસએલમાં મોકલી આપવામાં આવેલ છે જેનો અભિપ્રાય આવેથી જાણી શકાય કે મહિલા ઉપર બળાત્કાર થયેલ હતો, તો બળાત્કારી શખ્સને શોધી કાઢવા તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.