માંડવીમાં પરિણીતાએ પતિ-નણંદના ત્રાસથી ભર્યું હતું આત્મઘાતી પગલું

નણંદને પોતાના લગ્નમાં પહેરવા દાગીના ના આપતા અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા જેનાથી કંટાળી જાતેથી કેરોસીન છાંટી સળગી જતા માતા-પુત્રીના થયા હતા મોત : મરવા માટે મજબુર કરતા આરોપીઓની ધરપકડ કરવા પોલીસે શરૂ કરી છાનભીન

 

માંડવી : શહેરના ગોકુલવાસમાં જાતેથી સળગી પોતે તથા માસુમ દિકરીના મોત પાછળ પતિ તથા નણંદનો શારીરિક-માનસીક ત્રાસ કારણભૂત નિકળતા પોલીસે બન્ને આરોપી ભાઈ-બહેન સામે આપઘાત કરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પેરાજભાઈ જુમાભાઈ મહેશ્વરી (ઉ.વ.૪૩) (રહે. કેરવાંઢ તા.અબડાસા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓની દિકરી પાર્વતી (ઉ.વ.ર૧)ના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા માંડવીના ગોકુલવાસમાં રહેતા રાજેશ ભાણજી મહેશ્વરી સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પાર્વતીને એક દિકરી નામે તૃપ્તી (ઉ.વ.૧) જન્મી હતી લગ્નબાદ પાર્વતીના પતિ રાજેશ ભાણજી મહેશ્વરી તથા તેની નણંદ સવિતાબેન મહેશ્વરીએ માવતરેથી લગ્ન વખતે મળેલ દાગીના સવિતાબેને પહેરવા માટે પાર્વતીને આપવા કહેતા પાર્વતીએ ના પાડેલ તેનું મનદુઃખ રાખી બન્ને ભાઈ-બહેન પાર્વતીને શારીરિક-માનસિક ત્રાસ આપવા ચાલુ કરેલ અને જે ત્રાસના કારણે તેઓની દિકરી ઘણી વખત માવતરે જતી રહેતી હતી અને હાલે પાર્વતીના નણંદ સવિતાના લગ્ન હોઈ તેઓએ દિકરી પાર્વતીને સમાજમાં ખરાબના લાગે તે માટે સાસરે મોકલી આપેલ અને સાસરે આવ્યા બાદ પણ આરોપીઓ પાર્વતી સાથે બોલાચાલી કરી ત્રાસ આપવાનું ચાલુ રાખવા તેનાથી કંટાળી જઈ પાર્વતીએ જાતેથી કેરોસીન છાંટી સળગી જતા મરણ ગયેલ સાથે તેની દિકરી તૃપ્તી (ઉ.વ.૧) વાળી પણ મરણ ગયેલ તેમજ તેને બચાવવા જતા પાર્વતીના સાસુ-સસરા પણ દાઝી ગયા હતા. આરોપીઓ રાજેશ તથા તેની બહેન સવિતાએ તેઓની દિકરી પાર્વતીને આત્મહત્યા કરવા મજબુર કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા જે અસહ્ય ત્રાસ સહન ન થતા જાતેથી સળગી જઈ મોતને વ્હાલુ કરી લેતા પોલીસે બન્ને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૬, ૪૯૮(એ), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે પીએસઆઈ પી.કે. ગઢવીએ તપાસ હાથ ધરેલ છે.