માંડવીમાં એનજીઓની મહિલા વર્કર પર માપરના આચાર્યએ ગુજાર્યો બળાત્કાર

અવારનવાર દુષ્કર્મ આચરી અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાનથી નાખવાની ધમકી આપતા માપર પ્રાથમિક શાળાના આચાર્ય સામે નોંધાઈ ફોજદારી : આરોપી પોલીસના સકંજામાં

માંડવી : શહેરના લાયજા રોડ ઉપર સોસાયટીમાં રહેતી અને એનજીઓ સંસ્થામાં વર્કર તરીકે કામ કરતી મુળ ભુજની યુવતી ઉપર આચાર્યએ દુષ્કર્મ આચરી અશ્લિલ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આચાર્ય સામે ફોજદારી નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ ભુજ હાલે માંડવી રહેતી અને સફર નામની સંસ્થામાં વર્કર તરીકે કામ કરતી ૩ર વર્ષિય યુવતીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેણી અમદાવાદની સફર નામની એનજીઓમાં વર્કર તરીકે માંડવી ખાતે કામ કરે છે. દુષ્કર્મનો બનાવ ઓગસ્ટ ર૦૧૭થી આજદિન સુધી માંડવી તથા અલગ અલગ સ્થળે બનવા પામ્યો હતો. માંડવીના ઉમિયા નગરમાં રહેતા અને માપર ગામે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા દેવશીભાઈ રાજાભાઈ સોંદરવાએ તેણીને વિશ્વાસમાં લઈ તેના ઘરે લઈ જઈ ઠંડા પીણામાં કોઈ નશાકારક દવા ભેળવી પીવડાવી દઈ અર્ધબેભાન અવસ્થામાં શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરી અને અશ્વિલ ફોટા તથા વીડિયો ક્લિપ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારતા આરોપી સામે માંડવી પોલીસે આઈપીસી કલમ ૩૭૬, ૩ર૮, પ૦૬ (ર), તથા ઈન્ફર્મેશન એકટ કલમ ૬૭-એ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વી. એચ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. આચાર્ય દ્વારા એનજીઓની મહિલા ઉપર દુષ્કર્મ આચરાતા આચાર્ય પર ફીટકાર વરસવા લાગ્યો હતો તો આરોપીને પોલીસે સકંજામાં લઈ પુછતાછ હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી આચાર્ય ઉમિયાનગરમાં રહેતો હતો અને લાયજા રોડ ઉપર હાઉસીંગ સોસાયટીમાં મકાન ભાડે રાખીને યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો.