માંડવીમાં આઈપીએલ પર ઓનલાઈન સટ્ટો રમતા ત્રણ શખ્સો ઝડપાયા

૧૭ હજારની રોકડ સહિત ર૯ હજારનો મુદ્દામાલ માંડવી પોલીસે કર્યો કબજે : અન્ય એક શખ્સ પોલીસને હાથ ન લાગતા ચાર શખ્સો સામે જુગારધારા તળે નોંધાઈ ફરિયાદ

માંડવી : આપીએલની મેચો ધીમે ધીમે રંગ જમાવી રહી છે તેની સાથે આઈપીએલ પર રમાતા સટ્ટાનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં આઈપીએલના સટ્ટાને કારણે કરોડોની ઉથલપાથલ થઈ હોવાની ચર્ચાઓ જાગી છે. તેવામાં માંડવીમાંથી આઈપીએલ પર રમાતા ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ થયો હતો. માંડવી પોલીસે સટ્ટો રમતા ત્રણ શખ્સો ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એકનું નામ ખુલતા ચાર સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના અનંતદ્વાર પાસે આવેલી ચાની હોટલ પાછળ આઈપીએલ પર રમાતા ઓનલાઈન સટ્ટાના જુગાર ઉપર માંડવી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે તુરંત વર્કઆઉટ કરીને કરાઈ કાર્યવાહીમાં ચિરાગ નરેશભાઈ રૈયરખિયા, રિઝવાન સોકતઅલી આગરિયા, આસિફ જુસબ આગરિયાની ધરપકડ કરાઈ હતી. જ્યારે મનીષ ગોસ્વામી નામના શખ્સનું નામ ખુલ્યું હતું. માંડવી પોલીસે બાતમીના આધારે ચેન્નઈ સુપરકિંગ અને પંજાબ કિંગ્સની આઈપીએલ મેચ પર ગેલેક્સી એક્સચેન્જ નામની ઓનલાઈન સાઈટ પર રમાતા સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓના કબજામાંથી રોકડ રૂા.૧૭,ર૦૦ તેમજ ત્રણ નંગ મોબાઈલ મળીને ર૯,ર૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનાવને પગલે ઝડપાયેલા ત્રણ શખ્સો તેમજ નાસી છૂટેલા એક આરોપી વિરૂદ્ધ જુગાધારા તળે ગુનો નોંધાયો હતો. જેની તપાસ હેડકોન્સ્ટેબલ મયૂરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ હાથ ધરી છે.