માંડવીમાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો

પંદર દિવસ પહેલા લગ્નના ઈરાદે ભગાડી ગયેલા શખ્સને ગિર સોમનાથથી ઘરબોચી લેવાયો : બન્નેના મેડિકલ તપાસણી કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ

માંડવી : શહેરમાં રહેતી ૧૬ વર્ષિય સગીર કન્યાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે સગીરા સાથે ગિર સોમનાથથી ઝડપી પાડ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૧પ-૯-૧૭થી અગાઉ પંદરેક દિવસ પહેલા મુળ પ્રાંચી તા.સુત્રાપાડા જિલ્લો ગિર સોમનાથ હાલે માંડવી રહેતા અનિલ નાનુભાઈ ગોંડલીયાએ માંડવીમાં રહેતી ૧૬ વર્ષિય સગીર કન્યાને લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો હતો. સગીરાના પિતાએ માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવતા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.આર. ગામેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.સી. ગોહિલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસનું પગેરૂ પ્રાંચી તરફ દબાવતા આરોપી તથા સગીરાને પકડી પાડવામાં સફળતા મળી અને બન્નેને માંડવી લવાયા હતા. જ્યાં તપાસણી કરાવી આરોપી સામે આઈપીસી કલમ ૩૭૬નો ઉમેરો થવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ છે જ્યારે સગીરાને તેના મા-બાપને સોપી આરોપીની ધરપકડ કરી લીધાનું પોલીસે જણાવ્યું હતું.