માંડવીની મેઈન બજારમાં રસકસની દુકાનમાં ભીષણ આગ

૩ ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબૂ : વેપારીને લાખોની નુકસાની

માંડવી : શહેરની ભરચક એવી મેઈન બજારમાં અનાજ રસકસની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં લાગેલી આગ સાંજે છ વાગ્યા સુધી માંડ કાબૂમાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીની મેઈન બજારમાં શાહ પુનમચંદ ચત્રભુજ નામના વેપારીની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. દુકાનમાં રસકસ કિરાણાની આઈટમોની સાથે એસિડ, તેલ અને ઘીની આઈટમો પણ વિપુલ પ્રમાણમાં હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ચર્ચાતી વાતો મુજબ શોર્ટ શર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો. દુકાનમાં શોટ સર્કિટથી ક્યારે આગ ભભૂકી ઉઠી તેની જાણ વેપારીને પણ ન હતી. ધીમે ધીમે આગ વધતા  વેપારી પોતે દુકાન બહાર ભાગ્યા હતા. અને તાત્કાલિક માંડવી સુધરાઈની ફાયર શાખાનો સંપર્ક કરીને ફાયર બ્રિગેડ બોલાવવામા આવી હતી. આસપાસના
વેપારીઓના જણાવ્યા અનુસાર ગઈકાલે જ અડધી ગાડી ભરીને એસિડનો માલ આવ્યો હતો. આ ઉપરાંત દુકાનમાં તેલ અને ઘીનો જથો વિપુલ પ્રમાણમા હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. અઢીથી ત્રણ કલાકની જહેમત બાદ સાંજે છ વાગ્યાની આસપાસ આગ પર સંપુર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે આગની આ ઘટનામાં દુકાનની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આગને પગલે માંડવી શહેરમાં ધુમાળાઓના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ વિજય ગોસ્વામી સહિતની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. તો અગ્રણીઓ ધવલ ગોહિલ, કાનજી સિરોચા, જયેશ સોલંકી, ધિરેન શાહ, નરેન સોની, મેહુલ શાહ વગેરે આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો માંડવી પોલીસનો કાફલો પણ માંડવીની મેઈન બજારમાં આવી પહોંચ્યો હતો. ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આગની ઘટનાને કારણે વેપારીને લાખોની નુકસાની ખમવાનો વારો આવ્યો હતો.