માંડવીના હિન્દુ યુવા સંગઠન નેતા સામે ફોજદારી

માંડવી : માંડવી હિન્દુ યુવા સંગઠનના નેતા દ્વારા ફરાદીના યુવાનને મારમારી ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ રિવોલ્વર બતાવી માફી માગવાનો વીડિયો બનાવાયો હોવાના આક્ષેપ સાથે ફોજદારી નોંધાઈ હતી.માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સુલેમાન સિદીક ચૌહાણ (રહે. ફરાદી વાળા)એ જણાવ્યા અનુસાર તા.૩૦/૪ના બપોરના બિદડા સર્વોદય હોસ્પિટલમાં દવા લઈ ફરાદી પરત ફરી રહ્યા હતા ત્યારે ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા ગામના ચતુરસિંહ જાડેજા અને તેની સાથે અન્ય ચારથી પાંચ માણસ ઉભેલ હતા. જેઓએ રઘુવીરસિંહ વિશે કેમ બોલ્યો હતો તેમ કહી ધકબુશટ તેમજ પટ્ટાથી માર માર્યો હતો અને બાદમાં માફી માગવાનો વીડિયો બનાવી ફોન કરી રઘુવીરસિંહને બોલાવી ફરિયાદીને ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ ગયા હતા. રઘુવીરસિંહે રિવોલ્વર બતાવી ત્યાં પણ માફી માગવાનો વીડિયો બનાવી બીજી વાર આવા શબ્દો બોલીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતા. ફરિયાદના આધારે માંડવી પોલીસ દફતરે ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઈ બી.એમ. ઝાલા ચલાવી રહ્યાનું જાણવા મળ્યું હતું.-