માંડવીના વાંઢ ગામે ડેમમાં ડૂબી જવાથી કિશોરનું મોત

ગણપતિ વિસર્જન દરમિયાન બની કરૂણ ઘટના

માંડવી : જિલ્લામાં ગણેશ ઉત્સવનો આરંભ થઈ ચુકયો છે. ભક્તો દ્વારા આસ્થા ભેર દુદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન પણ કરવામાં આવે છે. ગઈકાલે પાંચમા દિવસે વિઘ્નહર્તાના વિસર્જન માટે તળાવો, ડેમોમાં લોકો ઉમટ્યા હતા. પરંતુ આ સમયે દાખવાતી બેદરકારી ગંભીર ઘટનામાં પરિણામે છે. માંડવી તાલુકાના વાંઢ ગામે પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગઢશીશા પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના વાંઢ ગામે આવેલા નાની સિંચાઈના ડેમમાં આ બનાવ બન્યો હતો. ગઈકાલે બપોરે યુવાનો ગણપતિ વિસર્જન માટે ગયા ત્યારે ડેમના પાણીમાં ડૂબી જવાથી કિશોર ગરકાવ થઈ ગયો હતો. શોધખોળ બાદ આજે તેની લાશ મળી હતી. હતભાગીનું નામ જગદીશ સંઘાર હોવાનું અને તેની ઉંમર ૧૬ વર્ષ હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે. વિસર્જન દરમિયાન ગામના યુવાનનું ડૂબી જવાથી મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. બનાવ સંદર્ભે ગઢશીશા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.