માંડવીના લોકસાહિત્યકાર રમેશ જોષીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

શિક્ષકદિને કરાયું બહુમાન

 

માંડવી : શહેરના જાણિતા લોકસાહિત્યકાર અને શિક્ષક રમેશભાઈ જોષીનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું. શિક્ષકદિને અપાયેલા એવોર્ડથી તેમના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી.
શહેરની ડો. જયંત ખત્રી પંચાયતી પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષથી ફરજ બજાવતા શ્રી જોષી શાળામાં બાળકોની હાજરી વધારવી, ગુણવતા યુક્ત શિક્ષણ, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, તેમના પ્રયત્નોથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શાળામાં આર.ઓ. પ્લાન્ટ, સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધાઓ દાતાઓના સહયોગથી મળી છે. સીસીઆરટી નવી દિલ્હીના વર્કશોપ અને જિલ્લા તજજ્ઞ તરીકે પણ તેઓ સેવા આપી ચુકયા છે. પછાત વિસ્તારની શાળા હોવા છતાં કન્યા કેળવણી માટેના તેમના પ્રત્યત્નો સરાહનીય રહ્યા છે. આકાશવાણી લોકવાર્તાના માન્ય કલાકાર હોઈ વિદ્યાર્થીઓમાં પણ સાંસ્કૃતિક વારસો જાળવવા પ્રયત્ન કરે છે. કચ્છના જાણિતા લોકસાહિત્યકાર હોઈ ગામડે- ગામડે યોજાતા કાર્યક્રમોમાં પણ પરંપરા, વિરાસતની વાતો લોકો સમક્ષ મુકતા રહે છે.
રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, કલેકટર રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોષી, જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, શિક્ષણ સમિતિ ચેરમેન છાયાબેન ગઢવી, શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ, પ્રા. શિક્ષણાધિધકારી સંજય પરમારની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ બદલ શાળાના આચાર્ય રિતેશગર ગુંસાઈ તેમજ શાળા પરિવારે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રમેશભાઈ જોષી પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ કંઠીમાં સહમંત્રી, કચ્છી સાહિત્ય કલા સંઘ સભ્ય તેમજ તાલુકા પ્રા. શિક્ષક સમાજમાં પૂર્વ સંગઠન મંત્રી તરીકે રહી ચુકયા છે.