માંડવીના રામપર વેકરાની સીમમાંથી વિક્રમી દારૂ ઝડપાયો

પશ્ચિમ કચ્છ એલસીબીએ ૧૦.૯૧ લાખના દારૂ-બીયરનો જથ્થો કર્યો કબ્જે : માંડવીના દરશડી અને ગાંધીધામના કિડાણાના શખ્સોએ શરાબ મંગાવી કરતા હતા સગવગે : બાતમીને પગલે પોલીસે દરોડો પાડીને બગાડ્યો ખેલ

ગઢશીશા : જિલ્લામાં ઓક્સિજનની બોટલ મળે કે ન મળે દારૂની બોટલ માંગો ત્યારે બૂટલેગરો હાજર કરી દેતા હોય છે. તેવામાં માંડવી તાલુકાના રામપર વેકરા નજીક સીમ વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડો પાડીને ૧૦ લાખ ૯૧ હજાર ૭૦૦નો દારૂ – બીયર ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી અને એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા તેમજ પીએસઆઈ એચ.એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે માંડવીના રામપર વેકરા ગામથી ધુણઈ ગામ તરફ જતા રસ્તે બાવળની ઝાડીઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દરશડીમાં રહેતા અનિલસિંહ લધુભા જાડેજા અને ગાંધીધામના કિડાણાના મહિપતસિંહ કિરીટસિંહ વાઘેલાએ જી.જે. ૧૮ ટી ૯પર૬ નંબરની ટ્રકમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ દારૂનો જથ્થો કટીંગ કરીને સગવેગે થાય તે પૂર્વે જ પોલીસે દરોડો પાડીને ટ્રકમાંથી ર,૭૭ર દારૂની બોટલ તેમજ ૮૧૦ નંગ બીયરના ટીન મળીને કુલ ૧૦,૯૧,૭૦૦ના શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે બંને આરોપીઓ દરોડા સમયે પોલીસ આવવાની ભનક લાગી જતાં નાસી છુટયા હતા. પોલીસે ટ્રક સહિત કુલ ૧પ.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ઓક્સિજન સપ્લાય કરવામાં તંત્ર હાંફી ગયું છે. લોકોને ઓક્સિજનનો પુરતો જથ્થો મળતો નથી, તેવામાં લાખોનો દારૂ ઝડપાતા, હાલ જિલ્લામાં ઓક્સિજનની કટોકટી વચ્ચે સપ્લાયની કામગીરી બૂટલેગરોને સોપવી જોઈએ તેવી કોમેન્ટ સોશ્યિલ મીડિયામાં વહેતી થઈ હતી.