માંડવીના ભાડીયામાં થયેલી હત્યાના કેસમાં 3 અપરાધીઓને જનમટીપ

ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ દ્વારા અપાયો ધાક બેસાડતો ચૂકાદો : વર્ષ 2018માં 19 વર્ષિય યુવાનને ગળેટુંપો દઈ તેની લાશના ટુકડા કરી 400 ફુટ ઉંડા બોરમાં ફેંકી દેવાયેલી

માંડવી : તાલુકાના મોટા ભાડિયામાં 19 વર્ષિય યુવાનને ગળે ટૂંપો આપી લાશના ટૂકડે ટુકડા કરીને 400 ફૂટ ઊંડા બોરમાં નાખી દેવાની ઘટનામાં ભુજની કોર્ટે 3 આરોપીઓને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2018માં થયેલી ચકચારી હત્યા કેસમાં કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો, આરોપીએ તેની પત્ની સાથેના આડા સંબંધ હોવાની શંકાએ તેના બનેવી અને એક મિત્રની મદદથી હતભાગી દેવાંગ માણેકભાઈ ગઢવી નામના યુવાનની કરપીણ હત્યા કરી હતી. ગત 12મી ફેબ્રુઆરી 2018ની રાત્રે હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. મૃતકના પિતાએ બનાવ અંગે ગુમ નોંધ ફરિયાદ કર્યા બાદ તેના પુત્રની હત્યા થઈ હોવાનું સપાટી પર આવ્યું હતું. હતભાગી દેવાંગ ગઢવીને આરોપી રામ ગઢવી, નારાણ ગઢવી અને ખીમરાજ ગઢવીએ મોતને ઘાટ ઉતારી તેની લાશના ટુકડા કરી બોરમાં ફેંકી દીધી હતી. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. હત્યા કરાયા બાદ લાશના ટુકડા કરી બોરમાં ફેંકી દેવાતા 6 દિવસ બાદ પોલીસને બોરમાંથી હતભાગીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યો હતો. તેમજ પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી. જે કેસ ભુજના ત્રીજા એડિશનલ સેશન્સ જજ મમતા એમ. પટેલની કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીઓને જનમ ટીપની સજા અને 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ મૃતકના પરિવારને 75 હજારનું વળતર ચુકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો. આ કેસ કોર્ટમાં સાબિત કરવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ કે.સી. ગોસ્વામી અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઈ મહેશ્વરીએ દલીલો કરી હતી. તેમજ ફરિયાદીના મુળ ધારાશાસ્ત્રી તરીકે હેમસિંહ ચૌધરી, દિપક ઉકાણી, ગણેશદાન ગઢવી અને કુલદિપ મહેતાએ દલીલો કરી હતી. કેસને કોર્ટમાં સાબિત કરવા માટે 28 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમજ 69 જેટલાં દસ્તાવેજી પૂરાવા પણ રજૂ કરાયા હતા. તમામ આધાર-પુરાવા ચકાસીને કોર્ટે 216 પાનાનો વિસ્તૃત ચુકાદો આપ્યો હતો.