માંડવીના બિદડાના સરપંચ અને 9 સભ્યો કરાયા સસ્પેન્ડ

14માં નાણાપંચની ગ્રાન્ટનો પંચાયતના નિયમોની અવગણના કરીને મનસ્વી રીતે ખેતીની જમીનમાં ઉપયોગ કરાતા લેવાયા પગલા

માંડવી : તાલુકાના બિદડા ગામના સરપંચ અને 9 સભ્યોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. 14માં નાણા પંચની ગ્રાન્ટનો ઉપયોગ નિયમ વિરૂદ્ધ ખેતીની જમીનના વિકાસ કામ માટે કરીને સરપંચ સહિતના સભ્યોએ ગેરવહીવટ કરતા પગલા લેવાયા હતા. ડીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57-1 મુજબ સરપંચ સહિતના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા હુકમ કરાયો હતો.
આ અંગેની વિગતો મુજબ માંડવી શિવસેનાના પ્રમુખ અને બિદડા ગામના નાગરિક એવા અમીત સંઘાર તેમજ નવિન નાકરાણી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના કેટલાક સભ્યો દ્વારા ગેરવહીવટ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અરજીઓ કરવામાં આવી હતી. જેની લાંબી તપાસ બાદ બિદડાના સરપંચ સુરેશ વલ્લભજી સંઘાર તેમજ સભ્યો નયનાબેન રાણુભા જાડેજા, કુલસુમબેન હુસેન સંઘાર, જયશ્રીબેન ખુશાલભાઈ રાજગોર, ભાવેશકુમાર રતીલાલ આણંદ, પ્રેમિલાબેન રવજીભાઈ મહેશ્વરી, સુરેશભાઈ મગનભાઈ રામાણી, વિનોદભાઈ હંસરાજ રાજગોર, આસમલભાઈ વિશાભાઈ માતંગ, બીપીનભાઈ જુમા સુઈયાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. ડીડીઓ ભવ્ય વર્માએ કરેલા હુકમમાં જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા નિયત કરેલા પંચાયત નિયમોની અવગણના કરીને મનસ્વી રીતે 14માં નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ ખેતીની જમીનમાં વિકાસ કામો માટે કરાયો હોવાથી પંચાયત અધિનિયમ 1993ની કલમ 57-1ની જોગવાઈ તળે પદભ્રષ્ટ કરવાનો હુકમ કરાયો છે.

કોઈ પ્રકારની ગેરરીતી કે ભ્રષ્ટાચાર કરાયો નથી : સુરેશ સંઘાર (સરપંચ)

માંડવી : બિદડાના સરપંચ સહિતના સભ્યોને પદભ્રષ્ટ કરાતા રાજકીય ગરમાવો જામ્યો છે. ત્યારે આ અંગે બિદડાના સરપંચ સુરેશભાઈ સંઘારે જણાવ્યું હતું કે, મે તો મારૂ કામ પ્રમાણિકતાથી કર્યું છે. કામમાં કોઈ પણ પ્રકારની ગેરરિતી કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો નથી. નાણાપંચની ગ્રાન્ટ એ વ્યક્તિ દીઠ ગ્રાન્ટ છે. અને સરપંચ પદે જ્યારે હું આરૂઢ હતો, ત્યારે કોઈપણ સમુદાયના લોકો ગ્રામસભામાં કોઈપણ કામની માંગણી મુકે તો તે કામ કરવા યોગ્ય જણાય તો નાણાપંચની ગ્રાન્ટમાંથી તે કામ કરી શકાય છે. જે વિસ્તારમાં કામનો હક્ક આવતો હોય અને કામ કર્યું હોય તો તેમાં કાંઈ ખોટું નથી. જે કામ બાબતે ડીડીઓ દ્વારા પદભ્રષ્ટ કરવાનો હુકમ કરાયો છે, તેમાં સ્થળ પર કરાયેલા કામમાં જેટલી રકમ નાણાપંચમાંથી ફાળવાઈ છે તેનાથી વિશેષ ખર્ચે કામગીરી થઈ છે. એટલું જ નહીં, આ કામગીરી અંગે ગ્રામ સભામાં બહાલી અપાઈ હતી. ઠરાવો કરાયા, તાલુકા પંચાયતમાં મોકલાયા, ત્યાર બાદ વર્કઓર્ડર અપાયો અને પછી કામ પણ થયુ.. કામ સંપન્ન થયા બાદ મેજર મેન્ટ કરાયું, બિલો રજૂ કર્યા અને ત્યાર બાદ સીસી અપાયા પછી પેમેન્ટ કરાયું છે. ત્યારે આ તમામ પ્રક્રિયામાં તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયેલા હતા. ત્યારે કોઈએ એવો પ્રશ્ન ન ઉપાડ્યો કે, નાણાપંચની ગ્રાન્ટમાંથી આ રીતે આ કામગીરી ન કરી શકાય.અને હવે જે લોકો કામ કરે છે તેમનું મોરલ તોડવા માટે આવા પગલા લેવાઈ રહ્યા છે જે અયોગ્ય હોવાનું સુરેશભાઈ સંઘારે જણાવ્યું હતું.