માંડવીના નાગ્રેચાની વાડીમાં IPLપર રમાતા સટ્ટા પર દરોડો

ગઢશીશા પોલીસે ૪૬ હજારના મુદ્દામાલ સાથે એક બુકી ઝડપાયો, અન્ય એક નાસી છૂટ્યો

માંડવી : ઈન્ડિયન પ્રીમીયર લીગની ટી-ર૦ મેચ પર રમાતા ઓનલાઈન સટ્ટાનું દુષણ સરહદી કચ્છ જિલ્લામાં વ્યાપ્યું છે. ત્યારે માંડવી પોલીસે આઈપીએલના સટ્ટા પર દરોડાની હેટ્રીક કર્યા બાદ ગઢશીશા પોલીસે માંડવી તાલુકાના નાગ્રેચા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડીને ઓનલાઈન સટ્ટો રમતા બે બુકીઓ પૈકી પોલીસે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજો શખ્સ પોલીસને હાથ તાળી આપીને નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના નાગ્રેચા ગામની સીમમાં આવેલી કરમશી નારાણ ગઢવીની વાડી પર ગઢશીશા પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી કરમશી ગઢવીને પોલીસે દબોચી લીધો હતો. જ્યારે બીજો શખ્સ શ્યામ ગોવિંદ ગઢવી પોલીસને થાપ આપી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આરોપીઓ પોતાના અંગત ફાયદા માટે આઈપીએલની ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલની મેચ ઉપર ક્રિકેટ લાઈન ગુરૂ નામની ઓનલાઈન સાઈટ પર હારજીત અને રન ફરકનો જુગાર રમતા હતા. પોલીસે પાડેલા દરોડામાં ઝડપાયેલા આરોપીના કબજામાંથી રોકડા રૂા.પ,પ૦૦, રૂા.૧૦,પ૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન, ૧પ હજારની જીજે૧ર-ઈસી-પર૪૪ નંબરની બાઈક, રૂા.૧પ હજારની જીજે૧ર-સીએલ-૧૪૦૧ નંબરની એક્ટિવા મળીને કુલ ૪૬ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આરોપી વિરૂદ્ધ ગઢશીશા પોલીસ મથકે જુગારધારા તળે ગુનો નોંધાતા ઈન્ચાર્જ પીઆઈ વી.એચ.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.