માંડવીના ધ્રબુડી દરિયાકાંઠે સજોડે દવા પીનારા પ્રેમી પંખીડા પૈકી પ્રેમીકાનું મોત

ગુંદીયાળી ગામના પ્રેમી યુગલે ગઈકાલે બપોરના પીધી હતી ઝેરી દવા : સારવાર દરમ્યાન યુવતીએ દમ તોડી દેતા પોલીસે આરંભી તપાસ

માંડવી : તાલુકાના ગુંદીયાળી ગામે રહેતા પ્રેમી પંખીડાએ ધ્રબુડી દરિયાકાંઠે જઈ સજોડે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા બન્નેને માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં યુવતીએ સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પોલીસના સતાવાર સાધનોએ વિગતો આપતા જણાવેલ કે આત્મહત્યાના પ્રયાસનો બનાવ ગઈકાલે સાંજે પ્રકાશમાં આવ્યો હતો. ગુંદીયાળી ગામે રહેતું પ્રેમી યુગલ દેવરાજ નાગાજણ ગઢવી (ઉ.વ.ર૧) તથા શ્રદ્ધાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૧૯) બન્ને જણા ધ્રબુડી ગામે દરિયાકાંઠે આવીને બન્નેએ સાથે ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તળફળિયા મારતા યુગલને તાકીદની સારવાર મળે તે માટે માંડવીની હર્ષ મેડિકલમાં દાખલ કરાયા હતા. તબીબે બનાવની જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી સહાયક ફોજદાર ભૂરાભાઈ વલવાઈએ તપાસ હાથ ધરી હતી. સારવાર દરમ્યાન રાત્રીના ૧ર વાગ્યે શ્રદ્ધાબા જાડેજાએ આંખો મીચી દેતા પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી પીઆઈ એમ.આર. ગામેતીએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પ્રેમી યુગલે દવા પી લેતા અને પ્રેમીકાનું મોત થતા નાનકડા ગુંદીયાળી ગામે અરેરાટી વ્યાપી જવા પામી હતી.