માંડવીના ડોનની કરપીણ હત્યા

હુડાઈ કંપનીની ઈયાન કારના ચાલક તથા તેની સાથેના માણસો સામે નોંધાઈ વિધિવત ફોજદારી :  કિશાનપુર પાટીયા પાસે તિક્ષણ હથિયારોથી ઢીમઢાળી હત્યારા ભાગી છુટ્યા ઃ પોલીસે શરૂ કરી છાનભીન

 

માંડવી : શહેરમાં આવેલ દાદાની ડેરી પાછળ રહેતા અને ર૦થી રપ ગંભીર ગુનાથી ખરડાયેલા અને ડોન તરીકેની છાપ ધરાવતા યુવાનની તિક્ષણ હથિયારો વડે હત્યા કરી હત્યારા નાસી જતા પોલીસે તપાસ દરમ્યાન હુડાઈ કારના ચાલક તથા તેની સાથેના માણસો સામે ખૂનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુવાનના ખૂનના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હાસમ ઈસાક ચૌહાણ (ઉ.વ.૩૦) (રહે. દાદાની ડેરી પાછળ માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે હત્યાનો બનાવ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાથી પહેલા કોઈ પણ સમયે બનવા પામ્યો હતો. માંડવીથી દસ કિલોમીટર દુર લાયજા માર્ગે આવેલ કિશાનપુર પાટીયા પાસે હુડાઈ કંપનીની ઈયાન સફેદ કલરની કાર જેના એન્જીન નંબર જીજે. ૩. એચએએફએમ ૩૭પપ૪પ વાળી ગાડીનો ચાલક તથા તેની સાથેના માણસોએ તેઓના મોટાભાઈ ફકીરમામદ ઉર્ફે ફકલો ઈસાક ચૌહાણ (ઉ.વ.૪૦) જે મોટી રાયણના મોજા ગઢવી નામના માણસની હત્યામાં પકડાયેલ અને તાજેતરમાં જ જેલમાંથી છુટી આવેલ હતો. તે બાબતનું મનદુઃખ અદાવત રાખી તેઓના ભાઈના મોઢા તથા માથાના ભાગે તિક્ષણ હથિયારોના ઘા મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી જતા માંડવી પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦ર, ૧ર૦/બી, ૩૪, ગુજરાત પોલીસ એકટ કલમ ૧૩પ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.આર. ગામીતે તપાસ હાથ ધરી હતી. સ્થાનિકે ચર્ચાતી વાતો મુજબ બનાવને એક્સિડેન્ટમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ મૃતકના ભાઈએ ફોજદારી નોંધાવતા બનાવ હત્યાનો હોવાનું ખુલતા હતભાગીની લાશને પીએમ માટે જામનગર મોકલી અપાઈ છે. બનાવની જાણ થતા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.એચ. ચૌધરી, પીઆઈ એમ.આર. ગામીત સહિતના અધિકારીઓ બનાવ સ્થળે ધસી ગયા હતા.