માંડવીના ચકચારી દુષ્કર્મ કેસમાં બળાત્કારી  સુધી પહોચવામાં પોલીસ નિષ્ફળ

જૈન આશ્રમમાં લાગેલા ૧૪ સીસી ટીવી કેમેરા માત્ર આશ્રમના આગળના ભાગે જ હોઈ પોલીસ માટે કપરી સ્થીતિ : બિહારી ચોકીદારોની પુછતાછ હાથ ધરાઈ : ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ અવિરત

 

માંડવી : શહેરની ભાગોળે આવેલ જૈન આશ્રમમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર બળાત્કારના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે ધસી ગયા હતા અને બળાત્કારીને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો, પરંતુ બનાવના બીજા દિવસે પણ બળાત્કારી સુધી પહોંચવામાં પોલીસને કોઈ સુરાગ હાથ લાગ્યો નથી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વડાલાના મુંદરા અને છેલ્લા વીસેક વર્ષથી માંડવી- ભુજ હાઈવે ઉપર આવેલ જૈન આશ્રમમાં રહેતી ૪૮ વર્ષિય પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર કોઈ અજાણ્યા શખ્સે રૂમના પાછળના ભાગે દિવાલ બારીના સળિયા તોડી અંદર પ્રવેશી મહિલા સાથે બળાત્કાર ગુજારી આરોપી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ પીઆઈ ગામીત સહિતના અધિકારી, કર્મચારી ઘટના સ્થળે ધસી ગયા હતા.
અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. મેઘજી સેજપાલ જૈન આશ્રમમાં બનેલા બળાત્કારનખા બનાવથી ખળભળાટ મચી જવા પામી હતી. તો પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે ગંધપારખુ શ્વાન એફએસએલ ફીંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી હતી, પરંતુ બનાવના બીજા દિવસે પણ બળાત્કારી સુધી પહોચવામાં કોઈ કડીઓ મળેલ નથી. આશ્રમમાં લાગેલા ૧૪ સીસી ટીવી કેમેરા જે માત્ર આગળના ભાગે છે. પાછળના ભાગે કોઈ જ કેમેરા નથી અને જે કંઈ ઘટના બની છે તે માત્ર આશ્રમના પાછળના ભાગેથી બનેલ છે. જેથી આગળ લાગેલ સીસી ટીવી કેમેરામાં કોઈ ફૂટેજ સાંપડી શકી નથી. તો આશ્રમમાં ચોકીદાર તરીકે કામ કરતા ૬ ચોકીદારો બહારના છે જે પૈકી ચાર હાજર હોઈ અને બે રજા ઉપર હોતા હાજર ચોકીદારોને પણ ગંધપારખુ શ્વાન સમક્ષ સમેલ આપી તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ કોઈ જ કડી મળેલ નથી. ચોકીદારો તથા આશ્રમના ટ્રસ્ટીઓ, મેનેજર સહિતનાઓના નિવેદનો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે. ભોગગ્રસ્ત મહિલાને પ્રથમ સારવાર માંડવી આપી વધુ સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરેલ છે.