માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં એસટીની અપુરતી સુવિધાથી છાત્રો પરેશાન

કથડતી બસ સેવા મુદ્દે તાજેતરમાં જ માંડવીના ધારાસભ્યે વિભાગીય નિયામકને કરી હતી રજૂઆત : અનેક રજૂઆતો બાદ પણ એસ.ટી.ની સેવામાં કોઈ સુધારો નહીં

 

માંડવી : તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છાત્રો એસ.ટી. બસોની અપુરતી સુવિધાથી પરેશાન થયા છે. છાત્ર સંગઠન એનએસયુઆના ઉપક્રમે એસટીના વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરાઈ હતી.
છાત્રોએ આવેદનમાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના કાઠડા અને આસપાસના ગામોના ૧૦૦થી વધુ છાત્રો સ્કુલ કોલેજ કે આઈટીઆઈમાં અભ્યાસ અર્થે દરરોજ અપડાઉન કરે છે. પરંતુ તેમના માટે એસટી તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી નથી. શાળા કોલેજના સમય અનુસાર બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર થાય છે. આ અંગે અગાઉ માંડવી મુંદરા વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડાએ પણ એસટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમ છતા સ્થિતિમાં સુધાર થયો નથી. અપડાઉન કરતા છાત્રોએ વહેલીતકે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી માંડવી તરફ જતી બસો ઉપરાંત માંડવીથી ભુજ આવતી બસોના ચાલકો મનમાની કરતા હોય છે. કોડાય રોડ તરફ ઢીંઢ પાટીયા પાસે સ્ટોપ હોવા છતા મોટાભાગે બસો ત્યાં થોભતી નથી. જેથી પાસધારકો અને છાત્રો ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી છે. એસટી તંત્ર યોગ્ય વ્યવસ્થા નહીં ગોઠવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદેલન કરવાની ચિમકી છાત્રોએ ઉચ્ચારી હતી.