માંડવીના કોડાય પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત : બે ઘવાયા

પુરપાટ જઈ રહેલ મોટર સાયકલ કાર સાથે અથડાતા સર્જાયો અકસ્માત : ઈજાગ્રસ્ત તરૂણોને ભુજ ખસેડાયા

 

માંડવી : ભુજ-માંડવી હાઈવે ઉપર આવેલ કોડાય પુલ પાસે પુરપાટ જઈ રહેલ મોટર સાયકલ કાર સાથે અથડાઈને સ્લીપ થતા બાઈક ઉપર સવાર બે તરૂણોને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. મોટર સાયકલ સ્લીપ થતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ રોડ ઉપર વેર વિખેર થઈજતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સીડેન્ટનો બનાવ આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. માંડવીના કુખ્યાત બુટલેગર અલાયાનો પૌત્રો જાવેદ અલીખાન બલોચ (ઉ.વ.૧૬) તથા રીઝવાન હમીદખાન બલોચ (ઉ.વ.૧૩) (રહે. બન્ને માંડવી) પોતાની મોટર સાયકલ નંબર જીજે. ૧ર. ડીડી. ૭૯૭૭ ઉપર જતા હતા ત્યારે પોતાની મોટર સાયકલને એક કાર સાથે ધડાકા ભેર ભટકાવતા રોડ પર ફંગોળાઈ ગયા હતા અને બન્નેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત બાદ મોટર સાયકલમાંથી લાલ ફૂલવાળા રૂમાલ (કપડા)માં બાંધેલ દેશી દારૂની કોથળીઓ રોડ ઉપર વેર વિખેર થઈ ગઈ હતી. તો લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે માંડવી સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી બન્નેને ભુજ રિફટ કરાયા. માંડવીના હેડ કોન્સ પેથાભાઈ સોધમે વધુ તપાસ હાથ ધરેલ છે.