મુંબઈગરા સ્થાનિક સહિત 3 શખ્સોને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા : પોલીસે આરોપીઓના કબ્જામાંથી 1.80 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

ભુજ : ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચ પર રમાતા સટ્ટાનો પોલીસે વધુ એકવાર પર્દાફાશ કર્યો છે. માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરી ગામે એક રહેણાંક મકાનમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડો પાડીને 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મુંબઈગરા મુળ કોટડી મહાદેવપુરીનો એક શખ્સ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર મોથલીયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સુચનાને પગલે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે રાણા અને પીએસઆઈ એચ.એમ ગોહિલના માર્ગદર્શન તળે એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે કોટડી મહાદેવપુરીના દેરાસર ચોકમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના ડોમ્બીવલીમાં રહેતા મુળ કોટડી મહાદેવપુરીના જ વતની એવા રૂષભ મહેશભાઈ શાહ તેમજ ડોમ્બીવલી ઈસ્ટમાં રહેતા વિકાસ હેમરાજ મહેતા અને થાણે વેસ્ટમાં રહેતા શેખર રૂદ્રરાયની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ લોટસ બુક 247 ડોટકોમ નામની વેબસાઈટ પર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા હતા. પોલીસે પાડેલા દરોડામાં આરોપીઓના કબ્જામાંથી 24 હજાર 50ની રોકડ રકમ, 89 હજાર 500ના 11 નંગ મોબાઈલ, 45 હજારના બે લેપટોપ, 20 હજારની એલઈડી ટીવી તેમજ અન્ય સામગ્રી મળીને કુલ 1 લાખ 80 હજાર 450નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્રણેય શખ્સો વિરૂદ્ધ એલસીબી દ્વારા ગઢશીશા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવાતા આગળની તપાસ હાથ ધરાઈ છે.