માંજરેકરે ફરી એકવાર રવિન્દ્ર જાડેજાના સિલેક્શન પર સવાલ ઉઠાવી વિવાદાસ્પદ નિવેદન આપ્યું

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કમેંટેટર સંજય માંજરેકર અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વચ્ચે વિવાદ કોઇનાથી છુપાયેલો નથી. ૨૦૧૯ના વર્લ્ડ કપ દરમ્યાન માંજરેકરે જાડેજાને (ટુકડોમાં રમનાર) ક્રિકેટર કહ્યું હતું, તેનો જવાબ બાલના સમયમાં દુનિયાના નંબર-૧ ટેસ્ટ ઓલરાઉન્ડરે ટિ્‌વટર દ્વારા આપ્યો હતો. તાજેતરમાં જ સંજય માંજરેકરની એક ટિ્‌વટર યુઝરની સાથેની ચેટ વાયરલ થઇ હતી જેમાં તેમણે કહ્યું, જાડેજાને અંગ્રેજી આવડતું નથી. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઇન્ડિયામાં રવિન્દ્ર જાડેજાના સિલેકશન પર સંજય માંજરેકરે પ્રશ્ન ઉભા કર્યા છે.સંજય માંજરેકરે કહ્યું, તમે ટીમમાં સ્પેશ્યાલિસ્ટ ખેલાડી પસંદ કરો છો, જો તમને લાગે છે કે પિચ સૂકી છે કે ટર્ન લઇ રહી છે તો તમે જાડેજાને લેફ્ટ આર્મ સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરો છો તેનો અર્થ બને છે, પરંતુ તેને બેટસમેન તરીકે ટીમમાં પસંદ કર્યા તો મને લાગે છે કે ટીમને તેનાથી સૌથી વધુ નુકસાન થયું.તેમણે કહ્યું, ભારતે એક ખેલાડીને તેની બેટિંગ માટે પસંદ કર્યો અને તે હતો રવિન્દ્ર જાડેજા. તેમને ટીમમાં પસંદગીના કારણ તેમની લેફ્ટ આર્મ સ્પિન નહોતી. તેને બેટિંગ માટે પસંદ કરાયો હતો અને હું હંમેશા તેની વિરૂદ્ધ રહ્યો છું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જાડેજાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પહેલી ઇનિંગ્સમાં ૧૫ રન બનાવ્યા અને ૭.૨ ઓવર બોલર્સ કર્યા. આ દરમ્યાન જાડેજાએ ટિમ સાઉદીને આઉટ કર્યા. બીજી ઇનિંગ્સમાં જાડેજા ૧૬ રન બનાવીને આઉટ થઇ ગયા.