મહિલા સાથે દુષ્કર્મ આચરનાર માંડવીની માપર શાળાના શિક્ષક સસ્પેન્ડ

ધરપકડ બાદ ૪૮ કલાકથી વધુ જેલમાં રહેતા નિયામક પાસેથી ફરજ મોકૂફ કરવાની મંજુરી મેળવીને શિક્ષણાધિકારીએ લીધા પગલાં

માંડવી : તાલુકાના માપર ગામે પંચાયતી પ્રાથમિક શાળામાં ફરજે બજાવતા મુખ્ય શિક્ષક ચારિત્ર્યનાં ગુના હેઠળ ૪૮ કલાકથી વધુ જેલ હવાલે થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ઉમિયાનગરમાં રહેતા અને
માપરની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવશીભાઈ રાજાભાઈ સોંદરવા વિરુદ્ધ ચારિત્ર્ય અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. અને ગત પહેલી જૂનનાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ૪૮ કલાકથી વધારે સમય માટે તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પરિણામે પ્રાથમિક શિક્ષણ નિયામકને દરખાસ્ત કરવામાં આવતા, તેમને ફરજ મોકૂફ કરવાની મંજુરી મળતાં તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફરજમોકૂફ કરાયા છે. અને તેમનુ હેડેક્વાર્ટર લખપત તાલુકાનું સોતા વાંઢ નક્કી કરવામાં આવ્યુ છે. સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો માંડવીના લાયજા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી અને એનજીઓ સંસ્થામાં વર્કર તરીકે કામ કરતી યુવતી ઉપર આચાર્યએ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ હતી. યુવતીના અશ્લિલ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને જાનથી મારી નાખવાની આચાર્યએ ધમકી આપતા તેની સામે ફોજદારી ફરીયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર ૩ર વર્ષિય યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. અને તે અમદાવાદની સફર નામની એનજીઓમાં વર્કર તરીકે માંડવી ખાતે કામ કરતી હતી.