મહિલાઓને એક જ સ્થળે પાંચ સહાય એટલે સખી-વન સ્ટોપ સેન્ટર

ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓને એક જ સ્થળે પાંચ પ્રકારની સહાય મળી શકે છે.

સમાજની શોષિત, પીડિત, ત્રસ્ત થયેલી મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં કાનુની સહાય, પરામર્શ, પોલીસ મદદ, દાકતરી સહાય અને આશ્રય આપવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં મહિલાઓ, દિકરીઓ માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે રૂમ નં.૨૭ થી ૩૨ માં હાલે આ સેન્ટર કાર્યરત છે. જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા મહિલા અને બાળ મહિલા અધિકારીશ્રી અવનીબેન રાવલ આ સેન્ટરના નોડલ ઓફીસર છે. તેમજ એસ.પી. અને જર્જ તેના સહયોગી અધ્યક્ષો છે. શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓને આશ્રયથી લઇ પુનઃસ્થાપન સુધીની તમામ કામગીરી કરવામાં આવે છે.

જી.કે.જનરલ હોસ્પિટલ રૂમ નં.૨૭ થી ૩૨ માં મહિલા રૂબરૂ મદદ માંગી શકે છે તેમજ જરૂર પડે કચેરીના ફોન નં.૦૨૮૩૨-૨૫૫૭૩૩ અને મોબાઇલ નં.૯૯૭૮૮૬૨૫૨૨ પર પણ સહાયતા માંગી શકે છે. સેન્ટરનું ઈ-મેઇલ એડ્રેસ છે. [email protected] સેન્ટરની રીજીનલ ઓફીસ રામકૃષ્ણ કોલોની, ડો.રાજારામ પ્લોટની સામે, જી.કે.જનરલની પાછળ, કચ્છ-ભુજ ખાતે આવેલ છે.

અહીં સહાયતા મેળવવા આવનાર મહિલાની ઓળખ ગોપનીય રાખવામાં આવે છે તેમજ તે મહિલાની જરૂરિયાત પ્રમાણેની સહાય નિષ્ણાંતોની મદદથી કરવામાં આવે છે અેમ સેક્રેટરીશ્રી હેમેન્દ્રભાઇ જણસાલી જણાવે છે.