મહારાષ્ટ્રમાં ટોટલ લોકડાઉનઃ ૧લી મે સુધી બધું જ બંધ, લગ્નમાં ફક્ત ૨૫ લોકોને મંજૂરી

(જી.એન.એસ.) મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. આ સ્થિતિને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નિયંત્રણોને વધારે લંબાવ્યા છે. આ નિયંત્રણો દેશમાં લગાવવામાં આવેલાં પહેલાં લોકડાઉનની સમકક્ષ છે. મહારાષ્ટ્રમાં કાલે રાત્રે આઠ વાગ્યાથી ૧લી મે સુધી આ નિયંત્રણો લાગુ રહેશે.’બ્રેક ધ ચેન’થી ઈસ્યુ કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ પ્રમાણે, તમામ સરકારી કાર્યાલયો ફક્ત ૧૫ ટકા કર્મચારીઓની હાજરીમાં ચાલશે. કોવિડ-૧૯ મેનેજમેન્ટવાળી સંસ્થાઓએ આ અંગે છૂટછાટ રહેશે.રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૫૬૮ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૬૭,૪૬૮ નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં એક દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.
રાજ્યમાં કડક નિયંત્રણ બાદ એટલે કે ૧૫ એપ્રિલથી સંક્રમણના કેસમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. સોમવારના આંકડા સિવાય અગાઉ સતત ચાર દિવસથી આંકડા ૬૦ હજારને પાર આવતા હતા. સોમવારે ઓછા આંકડા આવવા પાછળ મોટું કારણ રવિવારના રોજ ઓછું ટેસ્ટિંગ હતું.મુંબઇ મ્યું. કમિશનર ચહલે કહ્યું હતું કે મુંબઈમાં ૮૭ ટકા અસિમ્પ્ટોમેટિક દર્દી છે. આ સાથે ડેથ રેટ પણ ઓછો છે. મુંબઈમાં બીજી લહેર આવ્યાના ૭૦ દિવસ થઈ ગયા છે, આ દરમિયાન મહાનગરમાં કોરોના ડેથ રેટ ફક્ત ૦.૦૩ ટકા રહ્યો છે, જે રાહતની વાત છે. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાની બીજી લહેર હોવા છતાં મહાનગરપાલિકા વહીવટીતંત્ર અને ડોક્ટરોએ લોકોનો જીવ બચાવ્યો.
મુંબઈમાં ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧થી બીજી લહેર શરૂ થઈ છે. મુંબઈમાં એ સમયે ૧૧,૪૦૦ કોરોના દર્દીના મોત થયાં હતાં, પણ ૧૯ એપ્રિલ,૨૦૨૧ સુધી મૃત્યુઆંક ૧૨,૩૪૭ થઈ ગયો છે. આ રીતે કોરોનાની બીજી લહેરમાં ૭૦ દિવસમાં ૯૫૩ દર્દીનાં મોત થયાં છે. મુંબઈમાં છેલ્લા ૭૦ દિવસમાં ૧૩.૬ કોરોડના પોઝિટિવ દર્દીના દરરોજ થતાં મૃત્યુ અને મૃત્યુદર ૦.૦૩ ટકા રહ્યો છે, જ્યારે આ સમયમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૨.૬૬ લાખ વધી છે.