મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં જનરેટરના ધૂમાડાથી ગૂંગળામણ થતાં ૬ લોકોના મોત

(જી.એન.એસ.)ચંદ્રપુર,મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તાર જિલ્લામાં આજે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજહ મંગળવારે સવારે ચંદ્રપુરના દુર્ગાપુર વિસ્તારના વોર્ડ નંબર ૩માં મોટો અકસ્માત થયો હતો. અહીં જનરેટરના ધૂમાડાથી એક જ પરિવારના ૬ લોકોના ગૂંગળામણને કારણે મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.મળતી માહિતી પ્રમાણે મારૂતિ લશ્કરના પરિવારના સભ્યો ગતરાતે વીજળી ડૂલ થતાં જનરેટર લગાવીને સૂઈ રહ્યા હતા. જો કે, આજે સવારે કોઈએ પણ દરવાજો ના ખોલ્યો તો આસપાસમાં રહેતા પાડોશીઓને ચિંતા થવા લાગી અને દરવાજો તોડી નાખ્યો અને અંદર જઈને જોયું તો પરિવારના તમામ સભ્યો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવીને બેભાન થયેલા પરિવારના સાત સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના હાજર ડોક્ટરે સાતમાંથી ૬ સભ્યોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સાતમાં વ્યક્તિની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં એક જ પરિવારના ૬ સભ્યોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકની ઓળખ અજય લશ્કર(૨૧), રમેશ લશ્કર (૪૫), લખન લશ્કર (૧૦), કૃષ્ણા લશ્કર (૮), પૂજા લશ્કર (૧૪) અને માધુરી લશ્કર (૨૦) તરીકે થઈ છે. બનાવને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.