મહાનગરીમાં મેઘતાંડવ પર રાજકારણ

મુંબઈની સ્થિતિ પર સરકારની બાજ નજરઃ ફડણવીસ : વિરોધપક્ષો સરકાર પર તૂટી પડ્‌યા

મુંબઈઃ મુંબઈ અને આસપાસમાં ચાર દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદ અને ઊભી થયેલી સ્થિતિ પર રાજ્ય સરકાર સતત નજર રાખી રહી હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને નેવીની ટુકડીઓને સતર્ક કરવામાં આવી છે. પાલઘર જિલ્લાઅધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે અને પાણીમાં ફસાયેલા લોકો તેમ જ અસરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય કરવાની સૂચના આપવામાં આવી છે.
વિરોધપક્ષોએ સરકારની નાગપુર અને મુંબઈમાં સર્જાયેલી સ્થિતિ માટે ઝાટકણી કાઢી હતી.
મુંબઈમાં ૧૧ જગ્યાએ પાણી ભરાયાનું પણ ફડણવીસે જણાવ્યું હતું. ભરતી હોવાને લીધે પાણી ઓસરતું નથી, તમામ પંપ તેની પૂરી ક્ષમતામાં કામ કરી રહ્યા છે. ૧૫૦ વધારાના પંપ મૂકવામાં આવ્યા છે. વસઈ-વિરારમાં ટ્રેક પર પાણી ભરાવાને લીધે વેસ્ટર્ન રેલવેને અસર થઈ હતી. સમગ્ર વહીવટતંત્ર કામે લાગ્યું છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની તમામ કોશિશો થઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લેતા જરૂર પડ્‌યે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવશે. વરસાદને લીધે પરેશાની ભોગવતા વિદ્યાર્થીઓને એડિ્‌મશન કે પરીક્ષામાં જોઈએ તે રીતે સવલત આપવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. સવારે વિધાનસભાનું કામકાજ શરૂ થતાં જ કૉંગ્રેસ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે મુંબઈના વરસાદનો મુદ્દો ઊભો કર્યો હતો અને સરકાર શું કરી રહી છે તે અંગે માહિતી માગી હતી. આ સાથે તેમણે મુંબઈમાં આવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં કેન્દ્ર સરકાર શાં માટે મદદ નથી મોકલતી, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. એનસીપીના નેતા અજિત પવારે મુંબઈના બે પાલક પ્રધાનને મુંબઈ મોકલવા મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી. ઉપનગરના પાલક પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે હું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સંપર્કમાં છું. તેમણે વિરોધપક્ષોને સલાહ આપવાની ના પાડતા જણાવ્યું હતું કે જરૂર પડશે તો આખું પ્રધાનમંડળ મુંબઈ જવા તૈયાર છે. નાગપુરમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું હોવાથી તમામ પ્રધાનો તેમ જ વિધાનસભ્યો નાગપુરમાં છે.