મસ્કાની એન્કરવાલા હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં ૭૦૦થી વધુ દર્દીઓ થયા સાજા

  • આરોગ્ય સેવામાં હંમેશા અગ્રેસર તારાચંદ છેડાના નકશે કદમ પર જીગર છેડા…

સર્વ સેવા સંઘ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેવા હી સાધના સૂત્રને કરવામાં આવે છે ચરિતાર્થ : સરકારના સહયોગથી ચાલતી આ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ સંઘ દ્વારા ગોઠવાઈ : દાખલ થનાર દર્દી સ્વસ્થ થઈ પ્રસન્ન મુખે તબીબો અને સંચાલકોનો માને છે આભાર

ગરીબ-દરિદ્રનારાયણોને કોઈ મેાટી બીમારી ઘર કરી જાય, નાણાંની સગવડ ન હોય અનેે મોટી રકમ સાથે સારવારની જરૂર પડે ત્યારે પણ તારાચંદભાઈ ટેહલ નાખીને પીડિતને સદાય થતા રહ્યા છે ઉપયોગી

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની બીજી લહેરે માનવ જીવનને અસ્તવયસ્ત કરી નાખ્યું છે. ચારે બાજુ બિમારીના હાહાકાર વચ્ચે તબીબો જીવના જોખમે ફરજ બજાવી લોકોની સેવા કરી રહ્યા છે. કચ્છમાં પણ કોરોનાની બીજીલહેરે માથુ ઉચકતા લોકો ગભરાઈ ચુકયા છે. આવા સમયે પશ્ચિમ કચ્છમાં જી.કે. જનરલ બાદ બીજા નંબરની કોવિડ હોસ્પિટલની વાત કરીએ તો તે છે સર્વ સેવા સંઘ સંચાલિત એન્કરવાલા હોસ્પિટલ મસ્કા. માંડવી તાલુકાના મસ્કા ગામે એન્કરવાલા કોવિડ હોસ્પિટલ આવેલી છે. કોરોનાની બીજી લહેરમાં પશ્ચિમ કચ્છના લોકો માટે આ હોસ્પિટલ વરદાનરૂપ સાબિત થઈ છે. કારણ કે અહીં દાખલ થનારા મોટા ભાગના દર્દી સાજા થઈ પરત પોતાના ઘરે ફર્યા છે. આ હોસ્પિટલમાં ૧પ૦ બેડની સુવિધા છે, જેમાં ઓક્સિજનના ૬૮, વેન્ટિલેટરના ૧૦ બેડનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલમાં મલ્ટિ સીસ્ટમ ધરાવતા વેન્ટિલેટર અને બાયપેપ મશીન આવેલા છે.
સંસ્થાના મોભી તારાચંદભાઈ છેડાના સીધા માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. તારાચંદભાઈ વર્ષોથી કચ્છમાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે. તેઓએ સેવા હી સાધનાને જીવનનો મુળ મંત્ર બનાવ્યો છે. જેના સિદ્ધાંત પર આ હોસ્પિટલ ચાલી રહી છે. તેઓ મોટી ઉમરના હોવાથી હોસ્પિટલમાં કયારેક હાજરી આપે છે, પરંતુ ટેલિફોનના માધ્યમથી સતત માર્ગદર્શન આપતા રહે છે. ટેલીફોનથી માત્ર આ હોસ્પિટલની ચિંતા નહી પરતું કચ્છના દરેક જણની ચિંતા સેવા રહ્યા છે. જેમ મોરના ઈંડા ચિતરવા ન પડે તેમ તેમના પુત્ર જીગરભાઈ છેડા પિતાના પંથે ચાલી સેવાકીય સુવાસને આગળ ધપાવી રહ્યા છે. હાલમાં મસ્કાની કોવિડ હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન જીગર છેડા દ્વારા કરવામાં આવે છે. બપોર બાદ તેઓ હોસ્પિટલમાં હાજર હોય છે. ખુટતી કડી નિવારવા સાથે લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. સંસ્થાના જીગરભાઈ છેડા જણાવે છે કે, કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો ઝડપથી સંક્રમીત થઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છના લોકો માટે આ હોસ્પિટલ આશિર્વાદરૂપ સાબિત થઈ છે. બીજી લહેરમાં આ હોસ્પિટલમાંથી અંદાજે ૭૦૦ જેટલા સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. માંડવી, મુંદરા, અબડાસા, નખત્રાણા, લખપત અને ભુજમાંથી દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે. અહીંના તબીબોની સેવાકીય કામગીરી અને મેનેજમેન્ટ જોઈ દર્દીઓ અને તેમના સ્વજનો ખુશ થયા છે, જે અમારી મુડી છે. અત્રે નોંધનીય છે કે આ હોસ્પિટલ સરકારના સહયોગથી ચલાવવામાં આવે છે, પરંતુ સમગ્ર મેનેજમેન્ટ સંઘ દ્વારા ચલાવાય છે. સરકાર તરફથી આ હોસ્પિટલને દવાઓ અને રેમડેસીવીર ઈન્જેકશનની પારાયણ હોય છે તેમ છતાં હોસ્પિટલના સંચાલકો દર્દીની સારવારમાં કોઈ ખામી
રાખતા નથી.

હોસ્પિટલના તબીબો અને સ્ટાફને લોકો માને છે ભગવાન સમાન

ભુજ : મસ્કાની એન્કરવાલા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ તબીબોના માર્ગદર્શન હેઠળ સાજા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં ડો. કૌશિક શાહના નેજા હેઠળ ડો. કુલદીપ વેલાણી, ડો. મૃગેશ બારડ, ડો. દીપ રાજપૂત, ડો. શનિ રાજપૂત તેમજ પેરામેડીકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની ખંત પૂર્વકની મહેનતથી દર્દીઓ રીકવર થઈ રહ્યા છે. તમામ મેડિકલ સ્ટાફની કામગીરી કાબીલે દાદ છે. દિવસ – રાત જોયા વગર તેઓ દર્દીઓની સેવામાં લાગી ગયા છે. જો કે ખાસ વાત એ છે કે અહીં ફરજ બજાવતા તમામ સ્ટાફને દર્દીઓના સગા ભગવાન તરીકે માની રહ્યા છે.

મસ્કાના યુવા સરપંચની સેવા કાબિલેદાદ

ભુજ : મસ્કાના ગામના યુવા સરપંચ કીર્તિ ગોર અને તેમની ટીમની કોરોના કાળમાં કાબિલેદાદ સેવા કહી શકાય કારણ કે નાની ઉંમરે લોકોની સેવાનો ઉત્સાહ તેમના ઝળકી રહ્યો છે. મસ્કાની કોવિડ હોસ્પિટલમાં તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. દરરોજ સવારે દર્દીઓને મગનું પાણી, બપોરે જ્યુસ, સાંજે ઉકાળો સહિતની અવિરત સેવાઓ આપી રહ્યા છે. તો તેમની ટીમ સ્મશાનમાં પણ સેવા આપી રહી છે. ગામના સરપંચની સેવાકીય કામગીરીમાંથી અન્ય સરપંચો પ્રેરણા લે તે જરૂરી છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા ધરતીપુત્રોએ ખુશ થઈ કર્યું આવું કામ

ભુજ : આ હોસ્પિટલમાં માંડવી અને અબડાસાના મોટાભાગના દર્દીઓ આવતા હોય છે. ખેતી પ્રધાન વિસ્તારમાંથી આવતા દર્દી કે તેમના સગા એક યા બીજી રીતે ખેતી સાથે સંકળાયેલા હોવાથી ડિસ્ચાર્જ થયા બાદ હોસ્પિટલનું ચુકવવા અનેરી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. હસ્તા મુખે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ધરતીપુત્રો તેમજ વાડી માલિકો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે મોસંબી, શક્કરટેટ્ટી સહિતના ફળફ્રૂટ ગાડી ભરી ભરીને મોકલાવે છે. આ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ જોઈને દર્દીઓ ખુશ થઈને હોસ્પિટલને મદદ રૂપ આગળ આવે છે.

છેડા પરિવારની સેવાકીય પ્રવૃત્તિમાંથી અન્ય રાજકારણી લે ઘડો

ભુજ : સત્તામાં ન હોવા છતાં તારાચંદભાઈ છેડા અને તેમના પુત્ર જીગરભાઈ છેડા સેવાકીય પ્રવૃત્તિની સુવાસ મહેકાવી કપરા કાળમાં હોસ્પિટલના માધ્યમથી લોકોની સેવા કરી રહ્યા છે. દિવસ – રાત જોયા વગર કચ્છીઓના હિત માટે તારાચંદભાઈ છેડા સદાય અગ્રેસર રહી સરકારમાં રજૂઆતો કરે છે. જેની ફળશ્રુતિ પણ કચ્છીઓએ જોઈ છે. છેડા પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિમાંથી જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને રાજકારણીઓ ઘડો લઈ લોકોની સેવા કરે એ જરૂરી છે.