ટુંક સમયમાં નર્સિંગ કોલેજ શરૂ કરવા માટે વિચારણા કરાઈ

ભુજ : સર્વ સેવા સંઘ ભુજ સંચાલીત મસ્કાની એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે દાતાઓના આર્થિક સહયોગથી અદ્યતન ઓકિસજન પ્લાન્ટ નાખવાનું નકકી કરવામાં આવેલ છે અને તે માટેનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલ છે તેમ સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ સંસ્થાની મળેલી બેઠકમાં જણાવ્યું હતું.
છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહા બિમારીના કપળા કાળમાં કચ્છભરના હજારો દર્દીઓને સરકાર તથા દાતાના સહયોગથી વિનામૂલ્યેે કોરોના બિમારીમાંથી મુકિત અપાવીને સંસ્થાએ કચ્છભરના દર્દીઓને મદદરૂપ થવાના પ્રયાસો કર્યા, પણ વચ્ચે ઓકિસજન તથા રેડમીસીવર ઈન્જેકશનની જે તકલીફ ઉભી થઈ તેવી મુશ્કેલી ભવિષ્યમાં કોઈ મહામારી આવે તો પણ ન થાય તે માટે સંસ્થાએ ઓકિસજન પ્લાન્ટ માટે અપીલ કરતા રૂા.૩પ લાખ જેટલી માતબર રકમતું દાન પણ પ્રાપ્ત થઈ ગયું હોવાનું સંસ્થાના મેડીકલ કન્વીનર ડૉ. કૌશીકભાઈ શાહે જણાવ્યું હતું.
હાલમાં એન્કરવાલા હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર ડૉ. મૃગેશ બારડના નેતૃત્વમાં વિવિધ મેડીકલ વિભાગોની સેવાઓ રાહતભાવે શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જાે સરકાર તરફથી મંજુરી મળે તો નર્સિંગ કોલેજ પણ શરૂ કરવાનું સંસ્થાએ વિચારેલ છે તેમ સંસ્થાના ટ્રસ્ટી જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું. આ બેઠકમાં સંસ્થાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ જાેષી, ખજાનચી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, મંત્રી મુકેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ ગોર અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.