મરાઠા આંદોલન વધુ ઉગ્ર બન્યું : મુંબઈમાં આજથી જેલ ભરો આંદોલન

મુંબઈઃ મરાઠા આંદોલનની આગ વધુ ભડકી રહી છે. આંદોલનમાં અત્યાર સુધી ૬ લોકોએ આત્મહત્યા પણ કરી છે. આજથી મુંબઈમાં મરાઠા આરક્ષણ માટે જેલ ભરો આંદોલન શરૂ થવાનું છે. બીજી બાજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.લોકો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાના કારણે વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બન્યા છે. મરાઠા સમુદાયના લોકોએ મંગળવારે ઔરંગાબાદ-જલગાંવના રસ્તાઓ પર ‘રસ્તા રોકો’ પ્રદર્શન કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, મરાઠાવાડના બીડ જિલ્લાના વીદા ગામના ૩૫ વર્ષના ખેડૂત અભિજીત દેશમુખે તેના ઘરની બાજુના ઝાડ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.પોલીસના જણાવ્યા પ્રમાણે મરાઠાવાડના લાતૂર જિલ્લામાં મરાઠા આરક્ષણની માગણી માટે આઠ પ્રદર્શનકારીઓએ તેમના શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. મરાઠા સમુદાયના લોકોએ જણાવ્યું છે કે, રાજ્યની ભાજપ સરકારપ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા ગુનાને પરત લેવામાં નિષ્ફળ રહી છે. તેથી તે વિરુદ્ધ અમે મુંબઈમાં પ્રદર્શન કરીશું.