મમુઆરાની સીમમાં ચાઈનાક્લે ખાણમાંથી ઝડપાયું બાયોડિઝલ

પધ્ધર પોલીસે 65 હજારના 1 હજાર લિટર જથ્થા સહિત 75 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

ભુજ : તાલુકાના મમુઆરા ગામની સીમમાં આવેલ ચાઈનાક્લેની ખાણમાં પધ્ધર પોલીસે દરોડો પાડીને ટ્રોલીવાળા ટેન્કરમાંથી એક હજાર લિટર બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટેન્કર ચાલક પાસે પેટ્રોલિયમ પ્રવાહી અંગેના આધાર પુરાવાની માંગણી કરતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા તેમજ ઈન્ચાર્જ એસપી મયુર પાટીલની સુચનાથી અને પધ્ધર પીએસઆઈ એસ.આર. જાડેજાના માર્ગદર્શન તળે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી બાતમી હકીકતને આધારે મમુઆરા સીમ વિસ્તારમાં આવેલ કિસાન ખાણ નામની ચાઈનાક્લેની ખાણમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ખાણ પર હાજર નિલેશભાઈ રણછોડભાઈ કેરાસીયાના કબ્જામાંથી પોલીસે ટ્રોલીવાળુ 5 હજાર લિટરની ક્ષમતાનું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી રૂપિયા 65 હજારની કિમતનું એક હજાર લિટર બાયોડિઝલ ઝડપાયું હતું. ચાલક નિલેશ કેરાસીયાને જથ્થા અંગે પુછપરછ કરતા તે ખાણમાં નોકરી કરે છે. અને માધાપરના મેરામણભાઈ ઓડેદરાએ તેને આ ટેન્કર રખાવી આપ્યું હતું. ટેન્કરમાં ભરાયેલા પેટ્રોલિયમ પ્રવાહી અંગેના આધાર પુરાવાઓની માંગ કરતા ચાલક રજૂ કરી શક્યો ન હતો. તેથી ચોરી કે છડકપટથી આ જથ્થો મેળવવામાં આવ્યો હોવાના આધારે પોલીસે ટેન્કર સહિત 75 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહીમાં પધ્ધર પીએસઆઈ એસ.આર. જાડેજાની સુચનાથી હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ઓખરાજભાઈ રાજપૂત, વિક્રમસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.