મમાયમોરામાં થયેલી એરંડા ચોરીનો ભેદ ઉકેલાયો

ફરિયાદના કલાકોની ગણતરીમાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લઈ પોલીસે કરેલી કાર્યવાહી

ગઢશીશા : ગઢશીશા પોલીસ દફતરે બે દિવસ પૂર્વે માંડવી તાલુકાના મમાયમોરા ગામેથી ફરિયાદી રાજુભાઈ કરશન જબુઆણીની વાડીમાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના એરંડા ૩૦ બોરીની ચોરી થયાનું નોંધાયું હતું. ગઢશીશા પોલીસે તપાસના અંતે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઢશીશા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૩/પ/૧૮ના ગઢશીશા પોલીસ સ્ટેશને ૬૦ હજારના એરંડાની ચોરીની ફરિયાદ નોંધાતા પીઆઈ એ.એલ. મહેતાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સટેબલ ગુણવંતસિંહ જાડેજા અને ભરતભાઈ ગઢવી તપાસના અંતે ઈશ્વરલાલ વિશ્રામ તથા જિતેન્દ્ર શામજી (રહે. બન્ને મેરાઉ)વાળાને ઝડપી લઈ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીઓએ ચોરીની કબૂલાત કરી લેતા ચોરીનો મુદ્દામાલ મેરાઉની સીમ તથા એપીએમસી માર્કેટમાંથી આશરે ૧૮૦૦ કિલો કિં.રૂા.૬૦ હજારનો તથા એક લાખની કિંમતનો છોટા હાથી ટેમ્પો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.