મફત બૅન્કિંગ સેવાઓ બંધ નહીં કરાયઃ સરકાર

મુંબઈઃ નાણાંકીય સેવાના કેન્દ્રીય સચિવ રાજીવકુમારે બુધવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી ૨૦મી જાન્યુઆરીથી મફત બૅંકિંગ સેવા બંધ કરવાનો કોઇ પ્રસ્તાવ નથી અને લોકોએ આવી પાયાવિહોણી અફવા પર ધ્યાન ન આપવું જોઇએ. એમણે ટિ્‌વટર પર જણાવ્યું હતું કે આ મામલે ઇન્ડિયન બૅંકિંગ અસોસિયેશને સ્પષ્ટતા કરી છે અને સોશિયલ મીડિયા અને મીડિયા પર ફરી રહેલા સમાચાર બોગસ છે. અગાઉ એવો અહેવાલ આવ્યો હતો કે સરકારી તેમજ ખાનગી બૅંકોના નિયમો બદલાવાના હોવાથી બૅંકિંગ સેવા માટે ૨૦મી જાન્યુઆરીથી બૅંકો એવી દરેક સેવાઓ પર ફી વસૂલશે જે અત્યાર સુધી મફતમાં આપવામાં આવતી હતી. નિયમ બદલાતા હવે તમારે નાણાં કઢાવવા માટે, જમા કરાવવા માટે, મોબાઇલ નંબર બદલવા માટે, કેવાયસી માટે, ઠેકાણું બદલાવવા માટે, નેટ બૅંકિંગ માટે અને ચેકબુક મેળવવા માટે પણ ફી ચૂકવવી પડશે. જો તમે તમારી બ્રાન્ચને બદલે અન્ય કોઇ બ્રાન્ચમાંથી સેવા લો તો એ માટે કોઇ ચાર્જ નહીં આપવો પડે તથા એટીએમ અથવા મશીન દ્વારા પાસબુક અપડેટ કરાવવા માટે કોઇ ચાર્જ નહીં આપવો પડે.