મફતનું સરકારી રાશન ન લેનારા લાભાર્થીઓના રાશનકાર્ડ કરાયા બ્લોક

સાયલન્ટ રાશનકાર્ડના નામે કચ્છમાં ર૦ હજાર કાર્ડધારકોને અપાતું રાશન બંધ કરી દેવાતા તર્ક-વિતર્ક : સરકારી રાશન લેવું કે ન લેવું તે મરજીની વાત : રાજ્ય સરકારે નિયમ થોપી બેસાડતા હવે બ્લોક થયેલા કાર્ડને શરૂ કરવા કચેરીઓના ખાવા પડશે ધક્કા

ભુજ : કોરોના કાળમાં લોકડાઉન તેમજ હાલના સમયે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક રાશન આપવામાં આવી રહ્યું છે. ઘણા લોકો દર મહિને વ્યાજબી ભાવે તેમજ પીએમજીકેવાય યોજના અંતર્ગત રાશન મેળવી રહ્યા છે, તો ઘણા મધ્યમ વર્ગના લોકો એવા પણ છે કે જેે સરકારી નિઃશુલ્ક રાશન લેવાના બદલે અન્ય જરૂરિયાતમંદ માટે જતુ કરી રહ્યા છે, પરંતુ હવે મફતનું રાશન ન લેનારા લાભાર્થીઓના રાશનકાર્ડ બ્લોક કરી દેવાય છે, જેથી ધરમ કરતા ધાડ પડી હોય તેમ થોપી બેસાડેલા નિયમથી પોતાનું રાશનકાર્ડ ચાલુ કરવા લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે.આ અંગેેની વિગતો મુજબ રાજ્ય સરકારના નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા એક પરિપત્ર જારી કરાયો છે, જેમાં જણાવાયું કે, કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ છેલ્લા ૬-૧ર મહિનામાં જે કાર્ડ ધારકોએ રાહત દરના રાશન તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના વિનામૂલ્યે રેશનનો લાભ લીધો નથી તેવા રાશનકાર્ડ ધારકોની ખરાઈ થવી જરૂરી છે, જેથી ૬ કે ૧ર માસથી રાશન ન લેનારા રાશનકાર્ડ ધારકોને સાયલન્ટ રાશનકાર્ડ તરીકે લેખાવી આ કાર્ડ બ્લોક કરવામાં આવે છે, જેથી આ કાર્ડ પર રાશન મળી શકશે નહીં. જો તમારૂં નામ આ યાદીમાં હશે તો તમને સરકારી કચેરીમાં કાર્ડ શરૂ કરવા માટે ધક્કા ખાવા પડશે. સિસ્ટમમાંથી બ્લોક કરવામાં આવેલ રાશનકાર્ડ પર લાભાર્થી દ્વારા અનાજ મેળવવા માટે મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીનો સંપર્ક કરી રાશનકાર્ડના તમામ સભ્યોના આધારકાર્ડ ઈ-કેવાયસીની કામગીરી કરાવવી પડશે. જે બાદ જ રાશન મળશે. આ માટે ઝુંબેશ રૂપે કામગીરી કરવા માટે પણ આદેશ અપાયો છે. ૩૧ ઓગસ્ટ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી લેવા જણાવાયું છે. ૧લી સપ્ટેમ્બરથી આ પ્રકારના સાયલન્ટ રાશનકાર્ડ અનટાઈટલમેન્ટ કરી નોન એનએફએસએ કરવામાં આવશે. કચ્છની જો વાત કરીએ તો જિલ્લામાં અંદાજે ર૦ હજાર જેટલા રાશનકાર્ડ સાયલન્ટ કરવામાં આવ્યા છે. ત્રણ માસ, છ માસ કે એક વર્ષથી રાશન ન મેળવતા લાભાર્થીઓના કાર્ડ બ્લોક કરી દેવાયા છે, જેમાં ભુજમાં ૬૬૪૯, લખપતમાં ૯ર૬, રાપરમાં ૧૬ર૮, અંજારમાં ૪૪૪૪, નખત્રાણામાં ૧ર૦૯, અબડાસામાં ર૦૬૦, માંડવીમાં ૧રર૩, મુન્દ્રામાં ૭૩૭, ગાંધીધામમાં ૧ર૦ર, ભચાઉમાં રપ૦ કાર્ડનો સમાવેશ થાય છે.