મન નહિ કળવા દેતા ચાલાક મતદારોની જાસૂસી કરાવતા ઉમેદવારો

ઘણા માણસો તમામ પક્ષના કાર્યાલયમાં જઇ સપોર્ટના દાવા કરતા હોય છે : પોતાની સભા કે રેલી બાદ લોકો શું કહે છે? તે જાણવા ઉમેદવારોએ ખાસ ડિટેક્ટિવ એજન્સીઓ હાયર કરી

ભુજ : ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભરતાં જ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. હવે ચાલાક મતદાર ઉમેદવારોને કે પાર્ટીને પોતાનું મન કળવા દેતો નથી.
કોઇ પણ પક્ષના મોટા નેતાની સભા હોય તો હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે પણ પરિણામ કંઇક જુદા જ આવતા હોય છે. માટે મતદારોનો મિજાજ પારખવા માટે ખુદ ઉમેદવારો તેમની જાસુસી કરાવી રહ્યા છે. ચૂંટણી ટાણે રાજકીય પક્ષોના કાર્યાલયો શરૂ થઇ ગયા છે. રોજ સાંજ  પડતાં જ ટેકેદારો અને સ્થાનિક અગ્રણીઓ કાર્યાલય પર પહોંચી ઉમેદવારને  પોરો ચઢાવતા હોય છે. વાસ્તવિકતા એવી છે કે કેટલાક અગ્રણીઓ તમામ  પક્ષના કાર્યાલયો પર જઇ ‘પોતાનો અને  પોતાના અમુક માણસોના તો તમને જ મત મળશે’ કહી  પોતાના કામ કરાવી લેતા હોય છે. હવે આવા લોકો ઉપર વોચ રાખવા માટે ઉમેદવારો ડિટેક્ટિવ એજન્સીઓ હાયર કરી રહ્યા છે. ઉમેદવારો કદાવર અગ્રણીઓની મુવમેન્ટ ઉપર પણ વોચ રખાવતા હોય છે. સાથે સાથે તેમને  અપક્ષના કે નાના પક્ષોના ઉમેદવારો પણ ઘણી વખત મોટું નુકસાન કરાવતા હોય છે. ત્યારે તેમના પ્લાનીંગ કે રણનિતી અંગેની માહિતી મેળવવા માટે પણ ડિટેક્ટીવ એજન્સીઓ રોકવામાં આવી રહી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઉમેદવરોને હરિફ ઉમેદવારોની વિગતો, પોતાની જનસભા કે રેલી બાદ લોકોના રિએક્શન, લોકો ખાસ કરીને યુવાનો અને મહિલાઓ કોને સપોર્ટ કરી રહી છે? પોતાના મતક્ષેત્રના લોકોનો પોતાના પ્રત્યેનો અભિપ્રયા કેવો છે? જે જાણવામાં ખુબ જ રસ હોવાથી તેના માટે ડિટેક્ટિવ એજન્સીઓ રોકવામાં આવી રહી છે.