મનુ સાહનીએ આઈસીસીના સીઈઓ પદેથી આપ્યું રાજીનામું

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)માં એક ભારતીય પાસે રહેલુ મહત્વનું પદ હવે ખાલી થઈ ચુક્યુ છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મનુ સાહનીએ ગુરુવારે રાજીનામુ ધર્યુ હતુ. મનુ સાહનીને લઈને છેલ્લા ચારેક મહિનાથી કેટલીક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારબાદ હવે ૮ જૂલાઈએ મનુ સાહનીએ આખરે પોતાના પદને છોડી દીધુ હતુ.મનુ સાહનીના સખ્ત વ્યવહારને લઈને તેઓને રજાઓ પર મોકલવામાં આવ્યા હતા. જેના ચારેક માસના સમય બાદ હવે તેમના પદ પરથી મુક્ત થવા અંગેનો નિર્ણય સાહનીએ જારી કર્યો હતો. જેને લઈને ચાર માસથી ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો હતો. આઈસીસીએ આ અંગે પુષ્ટી પણ કરી હતી.
આઈસીસીના નિવેદન મુજબ મુખ્ય કાર્યકારી મનુ સાહની તત્કાળ જ કાઉન્સિલને છોડી રહ્યા છે. જ્યોફ અલાર્ડિસ કાર્યકારી સીઈઓનું કાર્ય અગાઉની માફક જારી રાખશે. મનુ સાહનીને તેમના સાથીઓ સાથે સખ્ત વ્યવહારને લઈને ગત માર્ચ માસમાં રજાઓ પર ઉતારી દેવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેમની સામે તેમના વલણને લઈને તપાસ હાથ ધરાઈ હતી.સાહનીએ પોતાની સામે આઈસીસી દ્વારા તપાસને લઈને તે એક પૂર્વ નિયોજીત કાવતરૂ હોવાનું ગણાવ્યુ હતુ. મનુ સાહની ડેવ રિચર્ડસનના સ્થાને ૨૦૧૯માં આઈસીસી વિશ્વકપ બાદ સીઈઓ પદે નિયુક્ત થયા હતા. જેમનો કાર્યકાળ ૨૦૨૨માં સમાપ્ત થનાર હતો. આઈસીસીમાં સીઈઓ પદ ખાલી થવાને લઈને તેને કાયમી ધોરણે ભરવા માટેની આગળની કાર્યવાહી માટે પણ રાહ જોવી શરુ થઈ ચુકી છે તો સાહની માટે ગત માર્ચ માસથી અટકળો ચાલતી હતી કે તેમનું રાજીનામુ આઈસીસી દ્વારા માંગી લેવામાં આવી શકે છે.