મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી ટાંકણે કચ્છનું તંત્ર બને સતર્ક

કચ્છનું મુંબઈ સાથે વધારે કનેક્શન હોવાથી કાળજી જરૂરી : મુંબઈથી આવતા લોકોનું રેલવે મથકોએ સુસ્ત પડેલું ચેકીંગ ફરી શરૂ કરાવો

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે તેવામાં કોરોના વાયરસના નવા પ્રકાર ડેલ્ટા પ્લસ વેરિએન્ટે માથું ઉંચક્યું છે. વિદેશોમાં જોવા મળતા આ પ્રકારના કેસો દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળમાં જોવા મળ્યા છે. કચ્છનું મુંબઈ સાથે ઘણો વ્યવહાર છે. દરરોજ હજારો લોકોનું રોડ અને રેલવે માર્ગે આવાગમન થતું હોય છે, ત્યારે નવા વેરિએન્ટની એન્ટ્રી ટાંકણે કચ્છનું તંત્ર સતર્ક બને તે જરૂરી છે.આ અંગેની વિગતો મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કોવિડનો જ એક પ્રકાર છે. જેમાં ઝડપથી વાયરસનું સંક્રમણ વધે છે. કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, તેવામાં ત્રીજી લહેરની શક્યતા જોવા મળી રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પ્લસ છે. કોરોનાની ત્રીજી લહેર માટે ડેલ્ટા વેરિએન્ટને વધુ જવાબદાર માનવામાં આવે છે. નિષ્ણાતોના મત પ્રમાણે વાયરસના આ પ્રકારમાં વાયરસ વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. એટલે કે, એક શરીરમાંથી વાયરસ બીજા શરીરમાં જાય તો પોતાનું સ્વરૂપ બદલે છે, જેથી આ વાયરસને અટકાવવા ઘણી સાવધાની રાખવી પડશે. મહારાષ્ટ્રમાં આ વાયરસના અત્યાર સુધી ર૦ જેટલા કેસો નોંધાઈ ચુકયા છે. કચ્છથી ઘણા લોકો મહારાષ્ટ્ર જતા – આવતા હોય છે ત્યારે જિલ્લામાં પણ બેદરકારી સાંખી શકાય નહીં. અત્યારથી જો ત્રીજી લહેરની ભયાવકતાને નહીં સમજીએ તો લાપરવાહીનો ભોગ બનવાનો વસવસો થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટન સહિતના દેશોમાં રસીકરણનું પ્રમાણ ઘણું ઉંચું છે. તેમ છતાં ત્યાં વેક્સિન લીધેલા લોકોને પણ કોરોના થયો છે. ભારતમાં હજુ તો વેક્સિન નેશન અભિયાન ગતિ પકડી રહ્યું છે તેવામાં કેસો ઘટી જતા લોકો લાપરવાહ બની ગયા છે. આવા સમયે બ્રિટનમાં ત્રીજી વેવનું આગમન ભારત માટે ચિંતાજનક છે. દેશના અમુક રાજ્યોમાં તો બે ચાર સપ્તાહમાં ત્રીજી લહેર આવશે તેવી દહેશતો પણ વ્યકત કરાઈ રહી છે. બીજી લહેરમાં જેવી રીતે લોકો મોતના મુખમાં ધકેલાયા તેમ જો હજુ પણ બેદરકારી રાખવામાં આવશે તો ત્રીજી લહેર પણ વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે.