મથલમાં કાર હડફેટે બાઈક ચાલકનું મોત

ગંભીર રીતે ઘવાયેલા મોરાયના ક્ષત્રિય યુવાનને ગાંધીધામ લઈ જતા દમ તોડી દીધો : પરિવારજનોમાં ગમગીની

નખત્રાણા : તાલુકાના મથલ નજીક પુરપાટ જઈ રહેલ કારે બાઈકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.નખત્રાણા પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર અભેરાજસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવેલ કે નખત્રાણા તાલુકાના મોરાય ગામે રહેતા ઉમરસંગ દીપસંગ જાડેજા (ઉ.વ.૩૬) ગતરાતરીના ૮ઃ૩૦થી ૯ના અરસામાં પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે મથલ નજીક માંતેલા સાંઢની માફક આવતી ટાવેરા કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારી એક્સીડેન્ટ કરતા બાઈક સાથે રોડ ઉપર ફંગોવાઈ ગયેલ અને ઉમરસંગને જમણે પગે ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી અને નસ તૂટી ગઈ હતી. પ્રથમ સારવાર નખત્રાણા બાદ ભુજ અને વધુ સારવાર માટે ગાંધીધામની સ્ટલિંગમાં લઈ ગયેલ જ્યાં ફરજ પરના તબીબે નસ કપાઈ જવાથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાથી મૃતજાહેર કરી દીધા હતા. હતભાગીના મૃતદેહનું પીએમ કરાવી તેમના પરિવારજનોને સોપતા પરિવારજનો તથા મિત્ર વર્તુળોમાં અરેરાટી સાથે શોકનું મોજુ છવાઈ ગયું હતું. ટાવેરા ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે.