મતગણતરી કેન્દ્ર બહાર સર્જાયો મેળાનો માહોલ

કચ્છભરમાંથી ઉમટ્યા હજારો લોકો
ભુજ : આજ વહેલી સવારથી જ ભુજની ઈજનેરી કોલેજ બહાર મેળા જેવો માહોલ છવાયો હતો. કચ્છના મતદારોનો જનાદેશ જાણવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઈજનેરી કોલેજ  પહોંચ્યા છે.
મતગણના સ્થળની બહાર કોઈ અનિશ્ચિનીય ઘટના ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
મતગણતરી આગળ વધતાની સાથે ઈજનેરી કોલેજની બહાર ઉમટેલી લોકોની ઉતેજના ચરમસીમાએ પહોંચી હતી. રાઉન્ડ વાઈઝ આંકડાઓ આવવાના શરૂ થયા બાદ આગળ ચાલી રહેલા ઉમેદવારોના સમર્થકોએ ભારે ચિચિયારીઓ પાડી ખુશી વ્યક્ત કરી હતી. રાઉન્ડ વાઈઝ આંકડાઓ જાહેર થતા જ ઢોલ નગારા સાથે સમર્થકો નાચવા લાગ્યા હતા. જો કે મતગણતરીના પ્રારંભિક રાઉન્ડમાં પાછળ ચાલી રહેલા ઉમેદવારોના સમર્થકોમાં થોડી હતાશા જોવા મળી હતી. પરંતુ આગળના રાઉન્ડમાં લીડ મળી જશે તેવી આશા સાથે સમર્થકો અને કાર્યકરો મતગણના સ્થળે અડીખમ ઉભા રહ્યા હતા.