મણિપુરમાં ભૂસ્ખલન : ૯ના મોત

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પૂર : ૭ના મોતઃ અનેક પૂલ તૂટયા

તામેંગલાંગઃ મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં જમીન ધસી પડતાં ૯ લોકોના મોત થયા છે. ઘટના સ્થળે રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનામાં અન્ય ઘણાં લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તામેંગલાંગ પહાડી વિસ્તાર છે અને અહીં ઘણી વખત ભૂસ્ખલન થવાનું જોખમ રહેતું હોય છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા પૂરપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. વિવિધ ઘટનાઓમાં ૭ લોકોના મોત થયા છે. શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા ૨ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ બેકાંઠે વહી રહી છે અને અનેક પૂલો ધોવાઈ ગયા છે. હજી ૩ દિવસ ભારે વરસાદની આગાહી છે. દેહરાદૂનના સીમાદ્વાર વિસ્તારમાં ધસી પડવાથી ૪ લોકોના મોત થયા છે. જ્યારે બીજા ૩ લોકોના મોત તણાઈ જવાને કારણે થયા છે. દક્ષિણ હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડના મોટા ભાગના વિસ્તારોમાં બે ત્રણથી ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ચમોલી, પાવરી અને રૂદ્રપ્રયાગ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. રાજ્યની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં ૨૦૧૩ જેવા પૂરની આશંકા વ્યકત થઈ રહી છે. ભેખડો ધસી પડતા અને બ્રીજ તૂટી પડતા ૧ લાખથી વધુ યાત્રિકો ફસાયા છે.
હવાઈ દળ, નૌકાદળ અને આર્મી રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે.