મચ્છરોના પોરા મળતાં ૨૪ સાઇટ- સ્કૂલોને નોટિસ : ડેન્ગ્યૂ

વડોદરા :  મચ્છરજન્ય રોગો શહેરને ધીમે ધીમે ભરડામાં લઈ રહ્યા છે. શહેરમાં બુધવારે ડેન્ગ્યૂના વધુ ૪૦ કેસ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ચિકનગુનિયાના ૧૧ નમૂના પોઝિટિવ નોંધાયા છે. બીજી તરફ કમળાનો ૧ અને ટાઈફોઇડના ૨ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ બેબાકળું બન્યું છે. બુધવારે એક જ દિવસમાં તાવના ૮૦૧ કેસ નોંધાતાં સ્થિતિ વણસી હોવાની દહેશત ઊભી થઇ છે. જેની સામે કોંગ્રેસે પાલિકામાં મોરચો માંડી તંત્ર પ્રિમોન્સુન કામગીરીમાં નિષ્ફળ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.શહેરને ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મલેરિયા સહિતના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડામાં લીધું છે. સાથે કમળા અને ટાઇફોઇડના કેસ વધતાં આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી છે. શહેરમાં પાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા ઘરે-ઘરે સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. બુધવારે શહેરમાં ડેન્ગ્યૂનાં ૧૬૭ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી ૪૦ ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ શહેરમાં ચિકનગુનિયાનો વાવર ફેલાતાં બુધવારે ૧૧ કેસ પોઝિટિવ આવતાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે. જ્યારે બુધવારે તાવના ૮૧૦ કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા.શહેરમાં એક જ દિવસમાં ઝાડા-ઊલટીના પણ ૧૨૨ કેસ સામે આવ્યા છે. સાથે સાથે ફતેપુરા અને પંચવટી વિસ્તારમાં ટાઇફોઇડના ૨, બાપોદમાં કમળાનો ૧ કેસ નોંધાયો છે. શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં પણ ડેન્ગ્યૂ અને તાવના ૩૫ દર્દીઓ દાખલ છે. જેમાં ૪ બાળકો અને ૨ પુરુષ ડેન્ગ્યૂની સારવાર હેઠળ અને અન્ય દર્દીઓ તાવની સારવાર લઈ રહ્યા છે.મંગળવારે જમનાબાઈમાં ૧૨ તાવના અને ૨ ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતા. બુધવારે પાલિકાની ૨૩૨ ટીમોએ ૩૭,૩૧૪ ઘરોની તપાસ કરી હતી. મચ્છરનાં ઉત્પત્તિસ્થાનો શોધવા માટે ૫૦ કન્સ્ટ્રક્શન સાઈટ અને ૧૩ જેટલી હોસ્ટેલ તેમજ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મચ્છરોના પોરા મળતાં ૨૪ને નોટિસ ફટકારવામાં આવી હતી.