મગફળી કાંડમાં સંડોવાયેલાઓને ખેડુતો માફ નહીં કરે : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધ પક્ષના નેતાએ ગાંધીધામમાં યોજયા ધરણા : ૪૦૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણીનો કર્યો આક્ષેપ : આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનો આપવાની અગ્રણીઓની ચિમકી

 

ગાંધીધામ : મગફળી કાંડની તપાસમાં મૂળ સુધી પહોંચીને ખેડુતોને ન્યાય અપાવવા તેમજ સૂત્રધારો સામે કડક પગલાની માંગ સાથે વિધાનસભાના
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગાંધીધામના કીડાણા ગામે ધરણા કર્યા હતા. અહીં આવેલા મગફળીના ગોડાઉનો સામે ધરણા કરીને તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીની કચ્છ મુલાકાતના ૨૪ કલાક પહેલા જ સળગેલી મગફળીનો એફએસએલ રીપોર્ટ જાહેર કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. મગફળી કાંડમાં કચ્છ કનેકશન હોવાની માંગ સાથે વિધાન સભાના
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કીડાણા ગામે આવેલા મગફળીના ગોડાઉન સામે કરેલા ધરણામાં કચ્છ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા.
જાન્યુઆરી મહિનામાં ગાંધીધામના આ ગોડાઉનોમાં સંગ્રહ કરાયેલી મગફળીની ૬૫ હજાર બોરીઓ સળગી હતી જેમાં ૧૦ કરોડના કૌંભાડની આશંકા બતાવાઈ હતી, ત્યારબાદ રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ મગફળીના ગોડાઉનોમાં આગ લાગી હતી. પરેશ ધાનાણીએ આ ગોડાઉનોની જાત મુલાકાત લેવા મંજુરી માગી હતી. પરંતું સરકાર દ્વારા મંજુરી ન અપાતા ગોડાઉનો બહાર તેઓ ધરણા પર બેઠા હતા. સળગેલા ગોડાઉનોની બહાર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
વિપક્ષીનેતાએ આ ગોડાઉનો અંગે દાવો કરતા જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ આ ગોડાઉનોમાં પડેલી મગફળીમાંથી ધૂમાડા નિકળી રહ્યા હતા. તેમની મુલાકાત
પૂર્વે સ્થાનિક તંત્રએ મગફળીમાં ભળેલા માટી અને પથ્થરો સાફ કરાવી નાંખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ધાનાણીએ સરકારે જાહેર કરેલા એફએસએલ રીપોર્ટ અંગે ચાબખા મારતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં બનાવ બન્યો હતો એટલે કે શિયાળાની મોસમ હતી અને ભેજનું પ્રમાણ હતું. એટલે આ મગફળી સળગી હતી તેવો એફએસએલનો રીપોર્ટ ગુજરાતની પ્રજાને સમજાય તેવો નથી. તો
પેઢલા ખાતે મગફળી કૌંભાડમાં સંડોવાયેલા લોકોની ધરપકડથી સરકારે સંતોષ માની લીધો છે. પરંતું ખરેખર આ કૌભાંડ રાજ્ય વ્યાપી છે અને તેમાં સરકારના મોટા માથાઓની સંડોવણી હોવાથી, સરકાર ખેડુતો સાથે મજાક કરનારા કૌભાંડીઓને છાવરી રહી છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોને ન્યાય નહીં મળે અને મગફળી કૌભાંડના મુળિયા સુધી તપાસ નહીં પહોંચે ત્યાં સુધી કોંગ્રેસનું આ આંદોલન જારી રહેશે. આગામી સમયમાં અમદાવાદ ખાતે રાજ્યની જનતાને સાથે રાખીને ગાંધી આશ્રમ સામે અચોક્કસ મુદ્દતના ધરણા યોજવાની તેમણે જાહેરાત કરી હતી.
વિધાનસભાના વિપક્ષી નેતાની કચ્છ મુલાકાત પહેલા જ સરકારે એફએસએલનો
રીપોર્ટ જાહેર કરીને ગાંધીધામમાં સળગેલી મગફળીના કારણો પણ જાહેર કરી દીધા છે. હવે વિપક્ષ દ્વારા જામનગરના ગોડાઉનો અંગે ધરણાની જાહેરાત કરાઈ છે. ત્યારે આ રાજકીય ખેલમાં ખેડુતોને ન્યાય મળશે કે નહીં તેનો જવાબ સમય જ આપી શકે તેમ છે.
કાર્યક્રમ માં વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડીયા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભચુ અરેઠીયા,પૂર્વ સાંસદ રાજુ ભાઈ પરમાર, જીલા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી પ્રદેશ મંત્રીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, જુમા ભાઈ રાયમા, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, સહિત મોટી સંખ્યા માં લોકો
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન આભાર વિધિ સમીપ જોશી અને સંચાલન શામજી અહિરે કર્યું હતું. કાર્યક્રમ ની વ્યવસ્થા ચેતન જોશી, લતીફ ખલિફા, ભરત ગુપ્તા અને અંજલિ ગોર ,રમેશ ગરવા દ્વારા કરવામાં આવી હતી. તદ્‌ ઉપરાંત જિલ્લા માંથી આદમ ચાકી, ઈબ્રાહીમ મંધરા, દિપક ડાંગર, રાજેન્દ્રસિંહ જાડેજા, સંજય ગાંધી,ભૂપતસિંહ જાડેજા, કિશોર પિંગોલ, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પનાબેન જોશી, દશરથ સિંહ જાડેજા, રસિક ઠક્કર, હકુભા જાડેજા, નારણ સોંધરા, પ્રાણ નામોરી, દેવેન્દ્ર ઝાલા, બળદેવ સિંહ ઝાલા, ગણેશા ભાઈ ઉંદરિયા, પરબત રબારી, ધારા ભાઈ ભરવાડ, અરજણ ભુડિયા, ભૈરવી વૈદ્ય, બેલા જોશી, મુમતજ બેન, અશરફ સૈયદ, દેવેન્દ્રસિંહ જેઠવા, યશપાલ જેઠવા, રવિ ડાંગર, રમેશ આહીર, દેવરાજ મયાત્રા, ઈલિયાસ ગાંચી, રમેશ ધોળું, રાજેશ ત્રિવેદી, રફીક મારા, દશરથ સિંહ ખાંગા રોત, હુસેન જામ, દામજી અબ ચુંગ, ગોવિંદ દનીચા, હરગોવિંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.