મગફળીના ગોદામ ભાડામાં ગોલમાલ

નાફેડ દ્વારા જેની ‘સેવા’ લેવાઈ તે ૨ કંપનીની ભૂમિકા પણ શંકાના ઘેરામાં : સરકાર ચૂકવે ૧૫.૯૪ પ્રતિ ફૂટ, ગોદામના માલિકને મળે ૫થી ૭!

ગાંધીનગર : ચૂંટણી વખતે ખેડૂતવર્ગને રીઝવવાની લ્હાયમાં રાજય સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલી અબજો રૂપિયાની મગફળી મહિનાઓ સુધી વિવાદમાં રહ્યા બાદ હવે આ વિપુલ જથ્થા પર ચોમાસાંરૂપી ખતરો મંડરાઈ રહ્યો છે કેમ કે મોટાભાગના ગોદામમાં માલ પલળે નહીં જ એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા નથી.
એક સહકારી અગ્રણીએ જણાવ્યું કે અગાઉના વર્ષોમાં જે સંસ્થા મગફળી ખરીદી કરે, તે જ ગોડાઉનો ભાડે રાખતી અને આગ-ઉંદર-પાણી વગેરેથી ખતરા સામેનો વીમો પણ ઉતારાવતી હતી. આ વખતે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન, ગુજકોટ વગેરે એજનસીએ ગોદામ ભાડે રાખ્યા. ગોદામભાડાંમાં સરકાર પ્રતિ ચોરસફૂટ રૂ.૧૫.૯૪ ચૂકવે છે. પરંતુ ગોદામ માલિકને રૂ.૫ થી ૭ જ મળે છે! સૂત્રો ઉમેરે છે કે આમાં મગફળીની જાળવણી, સુરક્ષા વ્યવસ્થા, દવા છંટકાવ, સીસીટીવી વગેરે વ્યવસ્થા કોરાણે રહી ગઇ અને અગ્નિકાંડ થયા તેનું એક કારણ આ પણ હતું.સહકારી મંડળીઓ પોતે ખરીદેલી મગફળીનો જે જથ્થો ગોદામ પર મોકલે તેમાં ભેજનું પ્રમાણ, રજ-કાંકરી વગેરે ધારાધોરણ ચકાસવા નાફેડ દ્વારા બલ્ક હેન્ડલિંગ ફેડરેશન અને સ્ટાર એગ્રિ.ને કામ સોંપાયું હતું.