મગફળીના ગોડાઉનમાં આગના બનાવોથી સરકાર બદનામ થાય છેઃ CM

ગાધીનગર : ગુજરાતમાં મગફળી સહિત કૃષિપાકો ભરેલા ગોદામો સળગવાના બનતાં બનાવોથી રાજ્ય સરકારની થઈ રહેલી બેઇજ્જતી રોકવા સંદર્ભે મંગળવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમના નિવાસસ્થાને નાફેડ, ગુજકોમાસોલ, ગુજકોટ સાથે ઉચ્ચકક્ષાની બેઠક યોજી આ સંસ્થાઓને મગફળી સહિતનાં પાકોનો એક મહિનામાં નિકાલ કરવા અને ગોડાઉનોે ખાલી કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં નાફેડના ચેરમેન વાલજી પટેલ, એમ.ડી. એસ.કે. ચઢ્ઢા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજકોટના ચેરમેન જગદીશ પટેલ તેમજ રાજ્યના ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારની માલિકીનાં ઉપરોક્ત વિવિધ એજન્સીઓના તેમજ ભાડે મેળવાયેલા કુલ ગોદામોમાં ૩૦ લાખ ટન જેટલો માલ ભરવાની ક્ષમતા છે, તે બધાં ગોદામો અત્યારે ભરાયેલા છે. અનાજની ૧૦૦ કિલોની એક બોરી સામે મગફળીની એક બોરી ૩૫ કિલોની હોય છે, અર્થાત અનાજ કરતાં ૩ ગણી વધારે જગ્યા મગફળી રોકે છે. અત્યારે ગોદામોમાં ગયા વર્ષની આશરે ૭૮ હજાર ટન મગફળી તથા ચાલુ સાલે ખરીદાયેલી ૮.૩૭ લાખ ટન મગફળી સ્ટોરેજ થયેલી છે, ઉપરાંત ૨થી ૩ લાખ ટન જેટલી તુવેર, અડદનો જથ્થો પડયો છે, આને કારણે બધા ગોદામો છલોછલ ભરાઇ ગયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રીએ આ છલોછલ ભરાયેલા ગોદામોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, નાફેડ તથા ગુજકોમાસોલ તાત્કાલિક તેમના ગોડાઉનોમાંથી માલનો નિકાલ કરે, કારણ કે છાસવારે ગોદામોમાં આગ લાગવાની ઘટનાથી સરકારની ભારે બદનામી થઈ રહી છે.
સૂત્રો કહે છે કે, રાજ્ય સરકાર તરફથી કેન્દ્રીય એજન્સીઓ નાફેડ તથા ગુજકોમાસોલને ૩ માર્ગ સૂચવવામાં આવ્યા હતા, એક મગફળી નિકાસ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, બીજું નાફેડ તથા ગુજકોમાસોલ બંને ભેગા મળીને મગફળી પીલાણનો વિકલ્પ પણ અપનાવી શકે અને ત્રીજું લિલામીથી નિકાલની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવે. એજન્સીઓને એમ કહેવાયું હતું કે, ખરીફ સિઝનનો માલ આવશે ત્યારે ગોદામો ભરેલાં હશે તો મોટી મુશ્કેલી સર્જાવાની પણ ભીતિ છે.