મખણામાં યુવાનના રહસ્યમય મોતના કેસમાં મઠના પુજારીને પોલીસે ઉઠાવ્યો

મોડી રાત્રે યુવાનની લાશનું પીએમ કરાવી તેના પરિવારજનોને સોંપાયો : તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતોનો થઈ શકે છે પર્દાફાસ : હત્યાની આશંકા સાથે પોલીસે શરૂ કરી છાનબીન

 

ભુજ : તાલુકાના મખણા ગામે મઢના રૂમમાંથી હત્યા કરેલ હાલતમા યુવાનનો મૃતદેહ મળી આવતા અને શંકાસ્પદ મોત સંદર્ભે પોલીસે મઠના પુજારીને ઉઠાવી અત્યંત ઝીણવટપુર્વકની પુછતાછ હાથ ધરી છે અને આગામી સમયમાં મોતના રહસ્ય પરથી પડદો ઉંચકાઈ જવાની દિશા તરફ પોલીસે પગેરૂ દબાવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાપર હાલે મખણા રહેતા ધર્મેશ સાજણ રબારી (ઉ.વ.રર) નો મખણા ગામે આવેલ લાલબાપુના મઢની ઓરડીમાંથી તિક્ષ્ણ હથિયારોથી ઈજા કરેલ અને મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા હતભાગીની કોઈએ હત્યા કરી હશે કે પોતે આત્મહત્યા કરી હશે તે બાબતે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. ગત તા. ૩૧-૮-૧૮ રાત્રીના દસ થી ૧-૯-૧૮ ના બપોરના ૧રઃ૩૦ ના ગાળામાં હતભાગીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે માનકુવા પોલીસે મઠના પુજારી પચાણનાથ ગુરૂલાલનાથ (ઉ.વ.૮૦) રહે. લાલનાથ મઠ મખણાની જાહેરાત પરથી સી.આર.પી.સી. કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી લાશનું પી.એમ. કરાવી તેના પિતા તથા ભાઈને મૃતદેહ સોંપી દીધો હતો. મઠમાં આવેલ ઓરડી અંદરથી બંધ અને પાછળના ભાગે બારી ખુલ્લી હોઈ યુવકની કોઈએ હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. ભાલા, છરી જેવા હથિયારોપણ યુવકના લોહીથી ખરડાયેલા મળી આવતા પોલીસે કબ્જે કર્યા હતા. આ યુવકની હત્યા કોણે અને શા માટે કરી છે તે અંગે પોલીસે શંકાના દાયરામાં રહેતા પચાણનાથને ઉઠાવી અત્યંત ઝીણવટપુર્વકની પુછતાછ શરૂ કરી છે અને આગામી સમયમાં હત્યા પાછળના કારણો સપાટી પર આવી શકે તેમ છે.